આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટીમ શોધી રહી છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા પછીથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતાં પહેલાં તેમણે તેમના ડ્રાઈવર અને ક્લાર્કને અડધે રસ્તે જ ઉતારી દીધા હતા. ત્યારપછી તેમણે તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જે હજી સુધી ચાલુ નથી થયો.
ઈડી અને સીબીઆઈએ મંગળવારથી અત્યાર સુધી પી. ચિદમ્બરમના તમામ સંબંધીઓના ઘરે પણ તપાસ કરી લીધી છે. દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ જગ્યાએ દરોડા પાડ્યામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી ચિદમ્બરમને તપાસ એજન્સીઓ શોધી શકી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમ તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કઈક ખામી છે. આ સંજોગોમાં અરજીને સીજેઆઈ સામે લિસ્ટ ન કરી શકાય. હવે પી. ચિદમ્બરમના વકીલ આ ખામી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી સરળતાથી સુનાવણી થઈ શકે.
દેશના દરેક એરપોર્ટ પર એલર્ટ આપવામાં આવ્યું
દેશના દરેક એરપોર્ટ પર પી. ચીદમ્બરમને લઈને લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. જો. પી. ચિદમ્બરમ દેશની બહાર જવાનો પ્રયત્ન કરશે તો તેમને મંજૂરી આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે, પી. ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડથી ગેરકાયદેસર રીતે મંજૂરી અપાવવા માટે લાંચ લેવાનો આરોપ છે.
આ કેસમાં અત્યાર સુધી કોર્ટ તરફથી ચિદમ્બરમને બે ડઝન વખત આગોતરા જામીન આપવામાં આવ્યા છે. આ કેસ 2007નો છે જ્યારે ચીદમ્બરમ દેશના નાણાપ્રધાન હતા. આ સમગ્ર કેસમાં ચીદમ્બરમના ખાસ લોકોના જણાવ્યા પ્રમાણે 2017 સુધી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નહતી. પી. ચિદમ્બરમ સિવાય કાર્તિ ચિદમ્બરમે પણ એજન્સીઓને તપાસમાં સહયોગ આપ્યો નહતો. કાર્તિના ઠેકાણાઓ પર પણ 4 વખત દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધી 25 વખત તેમને એજન્સીની સામે રજૂ થવું પડ્યું છે.

