ગુજરાતમાં બેફામ રોગચાળો, 97 લાખ લોહીના નમૂના લેવાયા, ઓગસ્ટમાં ડેંગ્યુના 367 અને મેલેરિયાના 1729 કેસ નોંધાયા

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ વરસાદના વિરામ સાથે જ ગુજરાતભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને લોકો ચિકનગુનિયા, ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોડનો શિકાર થઈ રહ્યા છે. રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં 97 લાખથી વધુ લોહીના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટના 20 દિવસમાં જ ડેંગ્યુના 346 અને મેલેરિયાના 1631 પોઝિટિવ કેસો નોંધાયા છે. તેમજ 21 ઓગસ્ટના રોજ ડેંગ્યુના વધુ 21 અને મેલેરિયાના 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ડેંગ્યુના કેસનો આંકડો 367 પર જ્યારે મેલેરિયાના કેસનો આંકડો 1729 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ડેંગ્યુના 713 અને મેલેરિયાના 5225 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રોગોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર ચિંતિત: આરોગ્યમંત્રી
આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ચેપી રોગોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્ય કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કક્ષાએથી આ રોગોની તમામ માહિતી પણ ઓનલાઈન પુરી પાડવામાં આવે છે. જેનું આરોગ્ય કમિશનર દ્વારા રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં સર્વેલન્સની કામગીરી વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે.