દેશનાં અર્થતંત્રને બીજું બુસ્ટર પેકેજ આપવાની પીએમ મોદીની તૈયારી

મુખ્ય સમાચાર રાજકીય

કોરોના વાયરસના કારણે દેશભરમાં બીજા લોકડાઉનનો કડકાઈથી અમલ શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર કોર્પોરેટ ઉદ્યોગ અને અર્થતંત્ર માટે વધુ એક પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી હતી. તેમણે સીતારામન સાથે કોરોના વાઈરસની અર્થતંત્ર (pm modi)પર અસર અને રાહતના ઉપાયો અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. બીજીબાજુ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે લોકડાઉનનો અસરકારક અમલ જરૂરી છે. દરમિયાન ભારતમાં કોવિડ-૧૯ના કુલ 12,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૪૧૪ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૪ કેસ નોંધાય છે અને ૩૭નાં મોત નીપજ્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૮૩ લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દેશનાં અર્થતંત્રને બીજું બુસ્ટર પેકેજ

કોવિડ-૧૯ મહામારીના કારણે નાના ઉદ્યોગોથી લઈને ઉડ્ડયન ક્ષેત્રને ઘણું નુકસાન થયું છે તેવા સમયે વડાપ્રધાન મોદીએ નિર્મલા સીતારામન સાથે ચર્ચા હાથ ધરી છે. કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે પરિવહન સેવાઓ અને અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકાવવાથી લાખો લોકોના બેરોજગાર થવાનું જોખમ સર્જાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સહિત અનેક એજન્સીઓએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને લગભગ શૂન્ય જેટલો થવાની આશંકા વ્યક્ત કરી છે. સૂત્રો મુજબ આ બેઠક દરમિયાન અર્થતંત્રની સ્થિતિ પર તેમજ ભવિષ્યના પડકારોનો સામનો કરવા અંગે ભંડોળ એકત્ર કરવા પર ચર્ચા થઈ હતી.

વડાપ્રધાન મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી

કોરોનાની મહામારીના કારણે દેશવ્યાપી લૉકડાઉનની એમએસએમઈ (સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) હોટેલ, એરલાઈન્સ, કૃષિ અને સંબંધિત ક્ષેત્રો પર વ્યાપક અસર પડી છે. આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીની અધ્યક્ષતામાં એક જૂથની રચના કરાઈ છે, જે આ બંધ પછી અર્થતંત્રને ઝડપથી પાટા પર લાવવા માટે સૂચનો આપવાની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જૂથને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની સાથે ગરીબો અને રોજમદાર મજૂરો માટે રાહત અને કલ્યાણકારી ઉપાયો પર કામ કરવા પણ કહેવાયું છે. ગરીબો અને જરૂરિયાતમંદોની સમસ્યા ઘટાડવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને ગયા મહિને ૧.૭ લાખ કરોરડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ત્રણ મહિના સુધી મફત રાશન અને રસોઈ ગેસ તથા મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકોને રોકડ સહાયતા પૂરી પાડવા સહિત અન્ય પગલાંની જાહેરાત કરાઈ હતી. સીતારામને જરૂર પડતાં આ પ્રકારની અન્ય જાહેરાતો કરવાના પણ સંકેત આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવનું મહત્વનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉનનો અસરકારક અમલ ખૂબ જ જરૂરી છે. લોકોએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને પાંચથી વધુ માણસોએ એકત્ર નહીં થવા જેવા નિયમોનો કડકાઈથી અમલ કરવો પડશે. ઉપરાંત વૃદ્ધો અને બાળકો હોય તેવા લોકોને ઘરેથી જ કામ કરવા પ્રોત્સાહન આપવું પડશે તેમજ ઓફિસના સ્થળો પર ટેમ્પરેચર સ્ક્રિનિંગ તેમજ હેન્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું અત્યાર સુધીમાં 2,90,401 સેમ્પલ્સ લેવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૨,૯૦,૪૦૧ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, જેમાંથી ૩૦,૦૪૩ સેમ્પલ બુધવારે લેવાયા હતા. બુધવારે લેવાયેલા સેમ્પલમાંથી ૨૬,૩૩૧ ના પરીક્ષણ આઈસીએમઆરના નેટવર્ક હેઠળની લેબોરેટરીમાં કરાયા હતા જ્યારે ૩,૭૧૨ ટેસ્ટ ખાનગી લેબમાં થયા હતા. આઈસીએમઆરના નેટવર્કની ટેસ્ટિંગ ક્ષમતા અંગે તેમણે કહ્યું કે, ત્યાં એક શિફ્ટમાં દૈનિક ૪૨,૪૦૦થી વધુ સેમ્પલ્સના ટેસ્ટિંગ થઈ શકે છે. બે શિફ્ટમાં કામ થતાં દૈનિક ૭૮,૨૦૦થી વધુ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકશે. કોરોનાના કારણે આપણો મૃત્યુદર ૩.૩ ટકા છે તો સામે લોકોના સાજા થવાનો દર ૧૨.૨ ટકા છે. અગ્રવાલે ઉમેર્યું હતું કે ભારતમાં ૩૨૫ જિલ્લાઓમાં ફિલ્ડ લેવલની પહેલોના કારણે કોરોના વાઈરસના કોઈ કેસ નોંધાયા નથી. કેટલાક જિલ્લાઓમાં અગાઉથી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીના અમલના સકારાત્મક પરિણઆમો મળ્યા છે. પુડુચેરીના માહે જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસમાં ઈન્ફેક્શનનો એક પણ કેસ નોંધાયો નથી. દેશમાં એક પખવાડિયામાં પોઝિટિવ કેસ નોંધાયા ન હોય તેવા ૨૭થી વધુ જિલ્લાઓ છે. ભારતમાં ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યા હોવાના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોના સંદર્ભમાં આઈસીએમઆરે જણાવ્યું હતું કે ભારતમાં એક પોઝિટિવ કેસ સામે ૨૪ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે જ્યારે જાપાનમાં આ દર ૧૧.૭, ઈટાલીમાં ૭.૭ અને અમેરિકામાં ૫.૩નો છે. તેથી કોઈ એમ કહી શકે તેમ નથી કે ભારતમાં ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.