બ્રિટનમાં લોકડાઉનન ત્રણ અઠવાડિયા માટે લંબાવાયુ, ન્યૂયોર્ક પણ 15 મે સુધી બંધ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમગ્ર વિશ્વમાં લોકો આ સમયે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બ્રિટન સરકારે પણ પોતાના ત્યાં લોકડાઉન લાગુ કરેલું છે. આજે બ્રિટનમાં લોકડાઉનની સમય મર્યાદાને ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ લોકડાઉનને 15 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 861 લોકોના મોત સાથે આ સંખ્યા વધીને 13,729 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારના રોજ જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આ માહિતી આપવામાં આવી હતી. મૃતકોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો નોંધાયા બાદ આ આંકડામાં છેલ્લા દિવસની સરખામણીએ 100 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ બ્રિટનમાં સંક્રમિક લોકોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે.

જો અમેરિકાના ન્યૂયોર્ક શહેરની વાત કરીએ તો અહીં 2,18,000છી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાઈ ચૂક્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 600થી વધારે લોકોના મોત નિપજ્યા છે, જ્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 16,251 સુધી પહોંચી ગઈ છે. એવામાં ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ કુઓમોએ કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અમે જે પગલા લઈ રહ્યા છીએ તેને અમારે યથાવત્ રાખવા પડશે. કુઓમોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે કોરોના વાયરસના સંક્રમણની દરમાં ઘટાડો નોંધાયો છે.