મધ્યમ અંતરની પરમાણુ સંધિ(ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી)થી અલગ થયા પછી અમેરિકાએ પ્રથમ વખત મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. આઇએનએફ સંધિથી અલગ થયાના એક સપ્તાહ પછી જ અમેરિકાએ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે.
ચીન અને રશિયાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. બંને દેશોએ અમેરિકાના મિસાઇલ પરીક્ષણની ટીકા કરતા ચેતવણી આપી છે કે વિશ્વમાં સૈન્ય તંગદિલી વધશે અને વિશ્વના દેશો વચ્ચે ફરી એક વખત શસ્ત્રોની હોડ શરૂ થઇ જશે. એકબીજા પર સંધિનો ભંગ કરવાનો આરોપ મૂકીને અમેરિકા અને રશિયા આઇએનએફ સંઘિથી અલગ થઇ ગયા હતાં.
અમેરિકાના સંરક્ષણ વિભાગ(પેન્ટાગોન)એ આ અંગંની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રશિયા સાથેના શીત યુદ્ધ પછી થયેલી સંધિથી અલગ થયા પછી અમે મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ છે.
આ મિસાઇલને રવિવારે અમેરિકન નેવીના નિયંત્રણ હેઠળના નિકોલસ દ્વીપથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મિસાઇલ ગ્રાઉન્ડ મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવી હતી અને તેણે 500 કિમી દૂર આવેલા પોતાના નિર્ધારિત લક્ષ્યાંકને લક્ષ્ય બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે જણાવ્યું હતું કે મધ્યમ અંતરની પરમાણુ સંધિ(ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી)થી અલગ થયા પછી અમેરિકા પરંપરાગત ગ્રાઉન્ડ લોન્ચ્ડ મિસાઇલોેને સંપૂર્ણ રીતે વિકસિત કરશે. તેમણે આ નિર્ણયને રશિયાની કાર્યવાહીના જવાબમાં યોગ્ય ગણાવ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પરિક્ષણના લાંબા ગાળે વિપરિત પરિણામો જોવા મળી શકે છે. આનાથી વિશ્વના દેશો વચ્ચે ફરી એક વખત શસ્ત્રોની હરીફાઇ શરૂ થઇ જશે. વિશ્વમાં ફરી એક વખત શીત યુદ્ધ શરૂ થઇ શકે છે.

