દિલ્હીમાં ‘રવિદાસ મંદિર’ તોડવા મુદ્દે દલિત જૂથોના દેખાવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની રાજધાની દિલ્હીમાં ડીડીએ એટલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ‘રવિદાસ મંદિર’ તોડવામાં આવ્યું છે. જેના કારણ મોટી સંખ્યામાં દલિત જૂથો દ્વારા બુધવારે દેખાવો યોજવામાં આવ્યાં હતાં. જોકે, સાંજ પડતાં સુધીમાં પરિસ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસે દેખાવ કરી રહેલાં લોકો પર લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. લાઠીચાર્જમાં હજુ સુધી કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ સાંપડ્યા નથી. હાલ ઘટનાસ્થળે પરિસ્થિતિ તણાવગ્રસ્ત છે. અહીંયા નોંધવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી(ડીડીએ) દ્વારા 10મી ઓગષ્ટના રોજ મંદિર તોડવામાં આવ્યું છે.

ગુરુ રવિદાસ મંદિરના આંદોલનના કારણે બુધવારે આખી દક્ષિણ દિલ્હી બંધક બની હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. નવી દિલ્હીના રોડ-રસ્તા પર 15000થી વધુ લોકો ઉતરી પડ્યા હતાં અને જેના કારણે રસ્તા પર બ્રેક લાગી ગઈ હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ પર ગુરુ રવિદાસ મંદિર તોડવાનો વિરોધ કરનાર હજારો લોકો રામલીલા મેદાનથી આશ્રમ ચોક પહોંચ્યા તો આ માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો.
પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોથી દેખાવકારો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી આવી પહોંચ્યા હતાં અને ‘જય ભીમ’ના નારા લગાવીને માંગ કરી હતી કે, સરકાર આ સમુદાયને જમીન આપવાની યોજના બનાવે અને મંદિરનું પુર્નનિર્માણ કરાવે. આ આંદોલન આગામી દિવસો પણ ચાલું રહેશે.