લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભુતકાળની ચૂંટણીઓમાં ક્યારેય જોવા ના મળ્યો હોય તેવો ટ્રેન્ડ આ વખતે જામ્યો છે અને તે છે રાજકીય પક્ષો, નેતાઓ કે વિચારધારાના ટકરાવને રજૂ કરતી બોલીવુડ કમર્શિયલ ફિલ્મોની ટક્કર. ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ઉરી’, ‘મણિકર્ણિકા’ અને ‘ઠાકરે’પછી હવે બરાબર ચૂંટણીના પડઘમ વાગતા હશે ત્યારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરની બાયોપિક પ્રકારની ફિલ્મ ‘માય નેમ ઇઝ Raga’ એપ્રિલમાં રજૂ થશે. રાહુલ ગાંધી યુવા અને મીડિયા જગતમાં તેના ટૂંકા નામ ‘Raga’થી ઓળખાય છે. રૃપેશ પોલ નિર્દેશિત આ ફિલ્મનું ચાર મિનિટનું ટ્રેઇલર બે દિવસ પહેલા જ ઓનલાઇન લોંચ થયું છે. અને તે મોટી સંખ્યામાં ‘વ્યુઅર્સ’ મેળવી રહ્યું છે. ફિલ્મમાં ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીના ગેટઅપ જેવા જ પાત્રો છે.

