મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલશે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ, 17 જાન્યુઆરીથી શરૂઆત થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની બીજી ખાનગી તેજસ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવશે. તેનું સંચાલન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કરશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસની શરૂઆત 17 જાન્યુઆરી 2020થી થશે. તે ગૂરૂવાર સિવાય બાકીના છ દિવસ ચાલશે. લખનૌ અને દિલ્હી વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસને લોકોએ ખૂબ પસંદ કરી હતી. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે ચાલતી આ ટ્રેનના લેટ થવા પર પ્રવાસીઓને વળતર આપવાની પણ જોગવાઇ છે.

રેલવે અધિકારીઓથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી તેજસ ટ્રેન 17 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે ચાલશે અને સાંજે 4 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુંબઈથી આ ટ્રેન સાંજે 5.15 વાગ્યે રવાના થશે અને રાત્રે 11.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને વેસ્ટર્ન રેલવે ઝોન અંતર્ગત ચલાવવામાં આવશે.

18 કોચ સાથે ચાલશે નવી તેજસ
નવી તેજસ એક્સપ્રેસમાં 18 કોચ હશે. જોકે શરૂઆતમાં 12 કોચ વાળી ટ્રેન ચલાવવામાં આવશે જેમાં બાદમાં ઉમેરો કરવામાં આવશે. અધિકારીઓએ દાવો કર્યો છે કે ટ્રેનમાં પ્રવાસીઓને વર્લ્ડક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ રીતે એર કન્ડિશન્ડ આ ટ્રેનમાં પ્રવાસીઓ ચેર કાર અને એક્ઝીક્યૂટિવ ચેર કાર શ્રેણીમાં પ્રવાસ કરી શકશે. કોચની સીટોને આરામદાયક બનાવવામાં આવી છે. બીજી તરફ સ્લાઇડિંગ કોચ ડોર, ઓટોમેટિક એન્ટ્રી એન્ડ એક્ઝિટ ડોર, પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોંઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન અને બાયો ટોયલેટ મોજદ રહેશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ
નવી તેજસ ટ્રેનને મુંબઈથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ આપવામાં આવ્યા છે. અમદાવાદથી ઉપડીને આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલીમાં રોકાણ કરીને મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ત્યાંથી પાછા ફરતી વખતે પણ આ સ્ટેશનો પર સ્ટોપ રહેશે.

લખનૌ-દિલ્હી વચ્ચે પહેલી ખાનગી તેજસ ટ્રેન ચાલી
લખનૌ અને દિલ્હી વચ્ચે 4 ઓક્ટોબરે દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનનું સંચાલન આઇઆરસીટીસી કરી રહ્યું છે. આ ટ્રેન લેટ થવા પર પ્રવાસીઓને વળતર આપવામાં આવે છે. 1 કલાક લેટ થવા પર 100 રૂપિયા અને 2 કલાક લેટ થવા પર 250 રૂપિયા વળતરની જોગવાઇ છે.