રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગે 9713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લીધી હતી. તેમાં શારિરીક કસોટીમાં ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસે લીધેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરાશે.
લોકરક્ષક ભરતી બોર્ડે પરીક્ષા લીધી હતી
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, લોક રક્ષક ભરતી બોર્ડે અનાર્મ લોકરક્ષક- 3150, આર્મ્ડ લોકરક્ષક (SRP) – 6009, પુરૂષ જેલ સિપાઇ -499, સ્ત્રી જેલ સિપાઇ – 55 મળી એમ કુલ 9713 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નિયમોનુસાર 2322 જેટલા અનુસૂચિત જાનજાતિના ઉમેદવારોએ પણ આ પરીક્ષા આપી હતી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલતી હોવાથી કામગીરી પૂર્ણ થઇ નથી. અપૂરતી ચકાસણીના કારણે સાચાને ન્યાય મળે અને ખોટો લાભ ન લઇ જાય તે માટે સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પસંદગી પરિણામ તૈયાર થયા બાદ સત્વરે કરાશે.
2061 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ
જાડેજાએ ઉમેર્યું હતું કે, અનુસૂચિત જનજાતિના 2061 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. તેઓને પણ 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. બાકી રહેતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

