બંધારણમાં સંશોધન થકી ‘એક દેશ, એક ચૂંટણી’ સંભવ બની શકે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દેશમાં ‘એક દેશ, એક ચૂંટણી’ને લઈને મંથન શરુ થઈ ગયું છે. મંગળવારે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિએ એને આકર્ષક વિચાર જણાવીને કહ્યું કે, બંધારણમાં સંશોધન કરીને જ ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચારને અમલમાં લાવી શકાશે. ટીએસ કૃષ્ણમૂર્તિએ વધુમાં ઉમેર્યું કે, ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચાર ખૂબ જ આકર્ષક છે પરંતુ વિધાનસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવા માટે બંધારણમાં સંશોધન લાવ્યા વિના એને અમલમાં લાવી શકાય તેમ નથી. આ સિવાય પણ ‘એક દેશ, એક ચૂંટણી’ માટે આવનારા પડકારો અંગે પણ કૃષ્ણમૂર્તિએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ રાજકીય પાર્ટીઓના પ્રમુખોને બુધવારે એક બેઠક માટે આમંત્રિત કર્યા છે, જેમનો લોકસભા કે રાજ્યસભામાં એક સાંસદ છે. આ બેઠકમાં ‘એક દેશ, એક ચૂંટણી’ સિવાય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા થશે. વર્ષ 2004ની લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રહેલાં ટીએસ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, એક સાથે લોકસભા-વિધાનસભા ચૂંટણી કરાવવા માટે મોટી સંખ્યામાં અર્ધસૈનિક દળોની જરુરત પડી શકે છે, તેમજ વહીવટી તૈયારી કરવી પડે, પરંતુ એ શક્ય છે. દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ વિચારને લાગુ કરવાના કેટલાક ફાયદા છે પરંતુ એને લાગુ કરવા માટે સૌથી મોટો અવરોધ અવિશ્વાસ પ્રસ્તાવ અને સંબંધિત મુદ્દાઓ સંલગ્ન બંધારણીય જોગવાઈ છે. તેમણે ઉમેર્યું કે, આનો એક જ વિકલ્પ છે કે બંધારણમાં સંશોધન કરવું. જે અંતર્ગત વિશ્વાસ પ્રસ્તાવ ત્યારે પ્રભાવી થશે, જ્યારે કોઈ અન્ય વ્યક્તિ નેતા તરીકે ચૂંટવામાં આવ્યો, અન્યથા પાછળની સરકાર ચાલું રહેશે. ‘એક દેશ, એક ચૂંટણી’ માટે રાજકીય પક્ષોની સર્વસંમતિ થવી મુશ્કેલ છે, તેમ પણ કહ્યું હતું.