વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજી કાર્યકાળના પહેલા બજેટ પહેલા જ નાણા ખાતુ અને અન્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં દેશની અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા અને બેરોજગારી સામે નવા રોજગાર ઉભા કરવા માટે સરકાર 100 દિવસના એજન્ડાને અંતિમ રુપ આપવાનો હતો.
સૂત્રો મુજબ વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં નાણા ખાતાના બધા જ સચિવ સિવાય અન્ય ખાતાના અધિકારીઓ તથા નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ઓછામાં ઓછા સમયમાં દેશને પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આગામી પાંચ વર્ષના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરવાનો હેતું હતો.
આ બેઠકમાં ધરતીપુત્રોની આવકમાં વધારો થાય તે માટેની યોજનાઓ વિશે પણ મંત્રણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2018-19માં GDPનો વૃદ્ધિદર ઘટીને 6.8 ટકા પર આવી ગયો હતો, જે પાંચ વર્ષનું સૌથી નીચુ સ્તર હતું. આંકડાઓ મુજબ જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિદર 5.9 ટકા સાથે વિતેલા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો.
નોંધનીય છે કે, વર્ષ 2019-20નું સંપૂર્ણ બજેટ પાંચ જુલાઇએ રજૂ થશે. જે મામલે વડાપ્રધાને તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા શરુ કરી દીધી છે. આ વિચારોને બજેટમાં સામેલ કરવામાં આવશે. હાલની સ્થિતિઓ મુજબ માનવામાં આવી રહ્યું છે કે, આગામી બજેટ ખેતી ક્ષેત્રે આવી રહેલી સમસ્યાને દૂર કરશે અને ખેડૂતોની આવકમાં વધારો લાવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર આ બજેટમાં આર્થિક વ્યવસ્થાની ધીમી ગતિ, દેવામાં વૃદ્ધિ અને નોન-બેન્કિંગ કંપનીઓમાં ફસાયેલા નાણા તેમજ આર્થિક સમસ્યાઓ, રાજગારની તકો, ખાનગી રોકાણ અને ખેતી સમસ્યાઓ સહિત અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે પગલા લેવાશે.

