કેરળમાં ચોમાસું ચીપકી ગયું, ભારે વરસાદ: દરિયાઇ વિસ્તારોમાં તબાહી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેરળમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થતાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વૃક્ષો ઉખડી ગયાં છે અને મકાનો નાશ પામ્યાં છે. દરિયો તોફાની બનતાં કાંઠાના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે એર્નાકુલમ, અલાપ્પુઝા, તિરૂવનંતપુરમ અને કોઝીકોડ જેવા સ્થળોમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. હજુ પવન સાથે વધુ વરસાદ પડવાની પણ આગાહી કરાઇ છે. ‘કલાકદીઠ ૫૦ કિલોમીટરની ઝડપે કેરળના કાંઠે તીવ્ર પવન ફૂંકાશે. માછીમારોને દરિયામાં નહિ જવાની સલાહ અપાઇ છે’ તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.

દરિયાઇ વિસ્તારોના લોકોએ દરિયાની દીવાલ બાંધવામાં સત્તાવાળાઓ દ્વારા થઇ રહેલા વિલંબ સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે દરિયાકાંઠાની મુલાકાતે આવેલા પાણી સંશાધન મંત્રી કે કૃષ્ણાકુટ્ટી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વરસાદને કારણે દરિયાની સપાટી પણ વધી રહી છે અને તેમાં મોજા ઉછળી રહ્યા છે. જેને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે.