એક તરફ સિગ્નલ ચાલુ હોય પણ કોઇ વાહનની અવરજવર ન હોય તો પણ અન્ય વાહનચાલકોએ રોકાઈ રહેવું પડે છે. આ સ્થિતિ નિવારવા મ્યુનિ.એ પ્રાયોગિક ધોરણે 10 સિગ્નલ સેન્સર આધારિત બનાવ્યા છે. આ ઉપરાંત વાહન પસાર થવા માટે સિગ્નલ પરના સમયમાં રહેલી કેટલીક વિસંગતિ દૂર કરવા મ્યુનિ.એ નિર્ણય લીધો છે.
સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં અમદાવાદમાં 10 જગ્યાએ સેન્સર આધારિત સિગ્નલ લગાવવામાં આવશે. તેનું ઓટોમાઇઝેશન કરવામાં આવશે. જેમાં જે તરફ ટ્રાફિક વધારે હોય તે દિશા વધારે સમય ખૂલશે, તેમજ ઓછો ટ્રાફિક હોય ત્યાં આ પદ્ધતિથી ઓછો સમય લેશે. જે અંગેની કામગીરી હાલ ચાલુ છે. આ પદ્ધતિ લાગુ કરવા માટે રૂ.75 લાખનો ખર્ચ થશે. દરમ્યાન કેટલાક વિસ્તારમાં સિગ્નલ જે માત્ર 10 સેકન્ડ માટે ખૂલે છે અને તેને કારણે અનેક લોકોને ઇ-મેમો મળે છે આવા સિગ્નલોનો પણ અભ્યાસ કરી ત્યાં કાઉન્ટ ડાઉન સમયમાં સુધારો કરવામાં આવશે. ઓટોમેટિક સિગ્નલનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં પૂરો થયો છે.
- ટ્રાફિક વધુ હોય તો સિગ્નલ 50 સેકન્ડ રહેશે
- રોડની પર નજર રાખતા વ્હીકલ એક્યુટેડ સેન્સરથી ચાલશે.
- આ સેન્સરનો ત્રિજ્યા 8 ફૂટ સુધી કવર કરશે.
- સેન્સરના 8 ફૂટની અંદર વાહન રહેશે ત્યાં સુધી સિગ્નલ ચાલુ રહેશે.
- જો 8 ફૂટના દાયરામાં એક પણ વાહન 3 સેકન્ડ સુધી નહીં આવે તો સિગ્નલ ઓટોમેટિક યલો થયા બાદ રેડ થઇ જશે.
- જો વાહનનો ફ્લો વધારે હોય તો નિયત સમયની 50 સેકન્ડ બાદ સિગ્નલ યલો થઇ બંધ થઇ જશે. જેથી એક સિગ્નલ ચાલુ રહે ને બાકીના લોકો સિગ્નલ ખૂલવાની રાહ જોતા રહે તેવું બનશે નહીં.
- આ ગ્રીન કોરિડોર રહેશે. જેમ કે પરિમલ ગાર્ડનથી કોઇ વાહન નીકળે તો તેને પંચવટી સર્કલ સુધી જેટલો સમય લાગે તેટલો ગણી સામે પંચવટીનું સિગ્નલ ખુલ્લું રહેશે. જેથી કોઇને પણ સિગ્નલ પર ઊભા રહેવુ નહીં પડે તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.