શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલોમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ પછી પોલીસને કોલંબો એરપોર્ટ પાસેથી પણ એક પાઈપ બોમ્બ મળી આવ્યો છે. છ ફૂટ લાંબા આ પાઈપ બોમ્બને એરફોર્સ દ્વારા સફળતાથી ડિફ્યૂઝ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે મોડી રાતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક જગ્યાએ તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ જતા રસ્તા પરથી દેશી બોમ્બ મળી આવ્યો છે. આ છ ફૂટ લાંબા પાઈપના દેશી બોમ્બમાં છેક ઉપર સુધી બારુદ ભરેલો જોવા મળ્યો હતો. એરફોર્સના જણાવ્યા પ્રમાણે આ બોમ્બ ખૂબ ઘાતક હતો.
એરફોર્સના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન ગિહાન સેનેવિરત્નેએ જણાવ્યું કે આ બોમ્બ લોકલ લેવલ પર બનાવવામાં આવ્યો હતો. બોમ્બ મળ્યા પછી એરપોર્ટ જતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા એરલાઈન્સ કંપનીઓએ કડક સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રીઓને ફ્લાઈટના સમય કરતાં ચાર કલાક વહેલા એરપોર્ટ પહોંચવાનો આદેશ આપ્યો હતો.
શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 290 લોકોનાં મોત થયા છે જેમા 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ આ વિસ્ફોટમાં સામેલ 13 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8-45 વાગ્યે થયા. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયો. 2009માં શ્રીલંકામાં તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)નો ખાતમો થઈ ગયો હતો, જે બાદનો આ સૌથી મોટો હુમલો છે.

