CJI સામે યૌનશોષણનો આક્ષેપ; નાણામંત્રીએ કહ્યું- સંસ્થાઓને અસ્થિર કરનારા સામે પગલાં ભરવા જરૂરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર યૌન શોષણના આરોપોની વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી તેમના સમર્થનમાં આવ્યા છે. જેટલીએ ફેસબુક પર બ્લોગ લખી કહ્યું કે જૂઠ ફેલાવી સંસ્થાઓન બરબાદ કરનારા પર દૃષ્ટાંતરુપ કાર્યવાહી નહીં કરાય તો પરંપરા આગળ વધશે. સુપ્રીમકોર્ટની ગરિમા ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે ન્યાયપાલિકા સાથે ઊભા રહેવાની જરૂર છે. જેટલીએ કહ્યું કે ડાબેરી તાકાતને સમગ્ર દેશે નકારી કાઢી છે. મીડિયાના મુખ્યપ્રવાહમાંથી પણ તે બાકાત છે.

હવે તેઓ ડિજિટલ અને વેબ મીડિયા દ્વારા પોતાની રમત રમી રહ્યાં છે. ડાબેરી વ્યવસ્થામાં એવું હોય છે કે લોકો સિસ્ટમની અંદર રહીને તેને ઉખાડી ફેંકવાના સિદ્ધાંત પર ચાલે છે. સીજેઆઈ પર હુમલો પણ આ વિચારસરણીના આધારે જ થયો છે. સીજેઆઇ ગોગોઇનો બચાવ કરતા તેમણે કહ્યું કે જેનો ભૂતકાળ સારો નથી તેવી વ્યક્તિના અપ્રમાણિત આરોપોને ટેકો આપવો યોગ્ય નથી. એવા મામલાની તપાસ એક ઉચ્ચ કમિટિને સોંપવામાં આવે છે. પરંતુ આ મામલાને સનસનાટીપૂર્ણ બનાવવા માટે ફરિયાદીએ અન્ય જજોને પણ દસ્તાવે સોંપ્યા છે.

સંસ્થાગત અવરોધો સર્જવાના ટ્રેક રેકોર્ડવાળું ચાર ડિજિટલ મીડિયા પબ્લિકેશન જ્યારે સીજેઆઇને એક જેવા જ ચાર સવાલ મોકલે છે તો તેનાથી લાગે છે કે મામલો જેવો દેખાય છે તેવો છે નહીં તેનાથી પણ મોટો છે. જેટલીએ કહ્યું કે સંસ્થાઓને અસ્થિર કરવાનો આ કાંઇ પહેલો મામલો નથી કે છેલ્લો પણ નથી. દેશે પહેલાં પણ જોયું છે કે જે જજ સંસ્થાઓને તબાહ કરનારા સાથે સંમત નથી થતાં, તેમની વિરુદ્ધ કઇ રીતે સતત હુમલા કરાય છે.

સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બેંસે ફેસબુક પોસ્ટ લખી દાવો કર્યો છે કે સીજેઆઇને બદનામ કરવા માટે તેમને દોઢ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમને ફરિયાદીનો કેસ લડવા અને પ્રેસ કોન્ફ્રન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. પોતાને મહિલાનો સંબંધી ગણાવનારી આ વ્યક્તિએ પહેલાં 50 લાખ અને પછી દોઢ કરોડ આપવાની વાત કરી હતી. બેંસે પોતાના દાવા અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરવાની વાત કરી છે.