પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરના હિન્દૂ સમુદાય માટે આ દિવાળી વિશેષ છે. અહીંના શવાલા તેજ સિંહ મંદિરમાં 72 વર્ષ બાદ દિવાળી મનાવવામાં આવશે. 72 વર્ષ બાદ કેટલાક શ્રદ્ધાળુઓએ મંદિર ખોલ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે અને મંદિરને શણગારવામાં આવ્યું છે.
Evacuee Trust Property Board વડે થોડા સમય પહેલા આ મંદિર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હતું અને હવે વર્ષો પછી અહીં દિવાળી મનાવવામાં આવશે. પંજાબના Evacuee Trust Property Boardના એક અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાન અને Evacuee Trust Property Boardના ચેરમેનના આદેશ પ્રમાણે હિન્દુ અને શીખ ધર્મ સ્થળોના જીર્ણોદ્ધારનું કામ શરુ કરવામાં આવ્યું છે. શવાલા તેજ સિંહ મંદિરને ખોલવાની પ્રક્રિયા આનો એક ભાગ છે.
ઇમરાન ખાને પાકિસ્તાનમાં રહેતા હિન્દુ નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
મળેલી જાણકારી મુજબ લાહોર અને રાવલપિંડીના કૃષ્ણ મંદિરો અને પેશાવર અને સિંધમાં દિવાળી ઉજવવા માટે સરકારે મોટી રકમ ફાળવી છે. પાકિસ્તાનના એક મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે દેશમાં કોઈ પણ ધર્મમાં માનવાવાળા નાગરિકો દેશની નજરમાં સમાન છે અને સૌને સમાન અધિકારો પ્રાપ્ત થયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે દિવાળીએ સુખ અને સમૃદ્ધિના પ્રતીક રૂપ પર્વ છે.