અમદાવાદઃ બોપલ-ઘુમા નગરપાલિકાના બિલ્ડીંગની બરાબર પાછળના ભાગમાં 50 હજાર લિટરથી વધુની કેપેસિટી ધરાવતી 32 વર્ષ જૂની જર્જરિત ટાંકી આજે ધસી પડી તે હોનારત કુદરતી નહીં પણ માનવસર્જિત હોવાનું બહાર આવ્યું છે. આ ટાંકી તદ્દન જર્જરિત હાલતમાં હતી અને તેને ઉતારી લેવાની કેટલીય વખત મૌખિક રજૂઆત નગરપાલિકાના સત્તાધીશોને કરાઈ હતી. આમ છતાં તેને ઉતારી લેવાને બદલે તેમાં સ્ટોરેજ માટે પાણી ભરવાનું ચાલુ રખાતા આજે અચાનક પોચી જમીનમાં ટાંકી બેસી ગઈ હતી અને પછી કડડભૂસ થઈ ગઈ હતી. આમ, માનવીય બેદરકારીને લીધે બિચારા ત્રણ શ્રમજીવીઓએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે.
પાણી વિભાગના કર્મચારીઓ રજૂઆત કરતા રહ્યા છતાં ટાંકી ન ઉતારાઈ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, બોપલ-ઘૂમા નગરપાલિકાના પાણી વિભાગના કર્મચારીઓએ પણ વારંવાર મૌખિક રજૂઆત કરી હતી કે આ ટાંકી પાણી ભરવા લાયક નથી માટે તેને ત્વરિત ઉતારી લેવી જોઈએ. આમ છતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે શાસક બોડીના સભ્યો તરફથી કોઈ ખાસ ધ્યાન અપાયું નહોતું. આમ, વાંક કોનો તે નક્કી નથી થઈ શકતું પરંતુ નગરપાલિકાના ઉપેક્ષિત વલણને લીધે શ્રમજીવીઓના જીવ ગયા અને ઈજાઓ પહોંચી છે.
1 વર્ષ પણ નથી થયું તેવા ફિક્સ પગારના એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા
આ હોનારત માટે નગરપાલિકાના એક એન્જિનિયરને સસ્પેન્ડ કરાયાનું કલેક્ટર વિક્રાંત પાંડેએ આજે પત્રકારોને જણાવ્યું હતું. હકીકત તો એ છે કે જીત નામના આ એન્જિનિયરને હજી નોકરીમાં જોડાયે માંડ 8 મહિના જેટલો સમય થયો છે. એટલું જ નહીં, આ એન્જિનિયરની ભરતી પણ ફિક્સ પગારથી કરવામાં આવી છે. હવે, આટલી મોટી હોનારત બને એટલે કોઈના ગળે તો ગાળિયો ભરાવવાનો જ હોય, અને આ સ્થિતિમાં આ જૂનિયર કક્ષાના કર્મચારીને સસ્પેન્ડ કરીને નગરપાલિકાએ શિસ્તભંગનાં પગલાં લઈ લીધાનો સંતોષ માણી લીધો છે.
શાસક બોડી કહે છે કે જમીન બેસી જતાં ટાંકી પડી ગઈ ને દુર્ઘટના ઘટી
આ અંગે બોપલ-ઘુમા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિનોદ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટાંકી બેસી ગઈ તેમાં કોઈ બેદરકારી નહોતી. આ ઘટનાને નજરે જોનારે તેમને કહ્યું હતું કે, ટાંકી હતી તે જમીન એટલી પોચી થઈ ગઈ હતી કે પહેલા ટાંકીનો તળિયાનો ભાગ જમીનમાં અંદર ધસી ગયો હતો અને પછી ટાંકી આડી પડી હતી. હવે જો આમાં કોઈની બેદરકારી જ જવાબદાર નહોતી તો પછી એન્જિનિયરને કેમ સસ્પેન્ડ કરાયા તે અંગે વિનોદ પટેલે કહ્યું હતું કે, આ નિર્ણય જિલ્લા વહીવટીતંત્રનો છે માટે તેમાં તેઓ કશું કહી શકે નહીં.
એક ટાંકી પડ્યા પછી જિલ્લાની ટાંકીઓનો સર્વે કરાવવાનો નિર્ણય
બોપલમાં આજે ટાંકી પડી અને તેમાં ત્રણ નિર્દોષ શ્રમજીવીના મોત થયાં તે પછી જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટનાની નોંધ લેતા જિલ્લા નગરપાલિકા નિયામકે તાત્કાલિક તમામ નગરપાલિકાઓની ટાંકી બાબતે તપાસ કરીને બે દિવસમાં અહેવાલ રજૂ કરવા પ્રાદેશિક કમિશનરોને આદેશ આપ્યો છે. આમ, ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ થયો છે. અત્યારસુધીમાં જે ટાંકીઓનો સર્વે થઈ ગયો છે અને જેને ઉતારી લેવાની રજૂઆતો થવા છતાં ભયજનક રીતે જે ટાંકીઓનો વપરાશ ચાલુ છે તેનું શું થશે તેનો તેમની પાસે કોઈ જવાબ નથી.