આઝમ ખાન વિરુદ્ધ EDએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો

મુખ્ય સમાચાર રાજકીય

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. EDએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરતા મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. આઝમ ખાન પહેલાથી જ જમીન સાથે જોડાયેલા મામલે ઘેરાયેલા છે. તેમની યૂનિવર્સિટી પર દરોડા પડી રહ્યાં છે. આ મામલે તેમના પુત્ર અબ્દુલ્લાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો કે આઝમ ખાન પોતે પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યાં છે.

આઝમ ખાન જમીન હડપવા ના 26 નવા મામલાઓ બાદ કરોડો રૂપિયાના જમીન ગોટાળામાં ફસાયા છે. ઉત્તરપ્રદેશ સિંચાઇ વિભાગે તેમને રામપુરમાં લગ્ઝરી રિઝોર્ટ જીવનસાથી માટે સરકારી જમીન હડપવાને લઇને નોટિસ જાહેર કરી છે. જિલ્લા વહિવટી તંત્રએ સરકારી જમીનના એક મોટા ટુકડાના કબ્જાના સંબંધમાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે. આ જમીન પર ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાન વિરુદ્ધ સરકારી અને ગરીબ ખેડૂતોની ખેતીલાયક જમીન હડપવાના સિલસિલામાં સતત કેસ નોંધાયા બાદ તેમને ભૂમાફિયા જાહેર કરવામાં આવ્યા છે. ED પણ આઝમ ખાનની યૂનિવર્સિટીમાં વિદેશમાંથી દાન મળવા સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના આરોપોની તપાસ કરી રહી છે.