અમેરિકા તથા ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર દરમિયાન ભારત એકમાત્ર એશિયાઈ દેશ છે, જેની વૈશ્વિક નિકાસમાં ભાગેદારી વધી છે. બ્લૂમર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે નાણાકીય વર્ષ 2017નાં ચોથા ક્વાટરમાં વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગેદારી 1.58 ટકા રહી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2019માં આ આંકડો વધીને 1.71 ટકા રહ્યો છે. આ સમયગાળામાં એશિયાનાં 10 સૌથી મોટા નિકાસકાર દેશોની વૈશ્વિક નિકાસમાં ભાગેદારી ઘટી છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે આ વાતની જાણકારી આપી હતી. દાસે કહ્યું કે નિકાસનાં ક્ષેત્રમાં સારા પ્રદર્શનનું એક મોટું કારણ એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક ઉત્પાદન સપ્લાય ચેનથી પોતાના પાડોશીઓ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી નથી, જેના કારણે નિકાસકારોને ક્ષેત્રમાં ટ્રેડ વૉરની સ્થિતિમાં ફાયદો મળે છે.
દાસે કહ્યું કે, “ભારત ગ્લોબલ વેલ્યૂ ચેનનો ભાગ નથી. આ કારણે અમેરિકા-ચીનની વચ્ચેનાં ટ્રેડ વૉરની ભારત પર અસર નથી પડતી, જેટલું અન્ય દેશો પર પડે છે.” દક્ષિણ કોરિયા તથા જાપાનનાં માલનું સૌથી મોટું ખરીદદાર ચીન છે, જેની વૈશ્વિક નિકાસમાં ભાગેદારી અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે ઘટી છે. ભારત માટે અમેરિકા તથા સંયુક્ત અરબ અમીરાત બાદ ચીન ત્રીજુ સૌથી મોટું બજાર છે.
દિલ્હી સ્થિતિ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ફૉરેન ટ્રેડનાં પ્રોફેસર રાકેશ મોહન જોશીએ કહ્યું કે, “આપણા માટે સૌથી ફાયદાની વાત એ છે કે આપણી પ્રૉડક્ટ બાસ્કેટ અને માર્કેટ બાસ્કેટ બંને જ સંપૂર્ણ રીતે ડાયવર્સિફાઇડ છે.” ફેડરેશન ઑફ એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશનનાં એમડી તથા સીઈઓ અજય શાહનાં જણાવ્યા પ્રમાણે અમેરિકા તથા ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરે બંને દેશોમાં નિકાસ વધારવાનો અવસર આપ્યો છે. ભારત દ્વારા અમેરિકાને નિકાસ છેલ્લા 6 વર્ષની તુલનામાં 2018માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધી છે. તો છેલ્લા નાણાકીય વર્ષમાં ભારત દ્વારા ચીનને કરવામાં આવેલી નિકાસમાં 31 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા એક દશકમાં સૌથી વધારે છે.