સુપ્રીમ લાલઘુમ- પીડિતાને મળે 24 કલાકમાં 25 લાખ; 7 દિવસમાં CBIને તપાસ પૂરી કરવાનો આદેશ, 45 દિવસમાં ફેંસલો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઉન્નાવની દુષ્કર્મ પીડિતાની 12 જુલાઈએ ચીફ જસ્ટિસને લખેલી ચિઠ્ઠી વિશે સુનાવણી કરી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે, પીડિત અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. આ સિવાય વચગાળાની રાહત માટે 24 કલાકમાં રૂ. 25 લાખનું વળતર પણ આપવું જોઈએ. કોર્ટે દુષ્કર્મ પીડિતા સાથે જોડાયેલા દરેક દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સીબીઆઈને આદેશ આપ્યો છે કે, રોડ એક્સિડન્ટ કેસની તપાસ સાત દિવસમાં અને અન્ય કેસની તપાસ 45 દિવસમાં પૂરી કરવામાં આવે.

પીડિતા 28 જુલાઈએ પરિવાર સાથે કારમાં ઉન્નાવથી રાયબરેલી જઈ રહી હતી. ત્યારે એક ટ્રકે સામેથી આવીને કારને ટક્કર મારી હતી. એક્સિડન્ટમાં પીડિતાની કાકી અને માસીનું મોત થઈ ગયું છે. પીડિતા વેન્ટિલેટર પર છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યું- દેશમાં અંતે શું ચાલી શું રહ્યું છે?

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તરફથી હાજર થયેલા સોલિસિટરને જનરલ તુષાર મેહતાને પૂછ્યું કે, તમારે તપાસ માટે કેટલો સમય જોઈએ. જ્યારે સોલિસિટરે એક મહિનાનો સમય માંગ્યો તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, એક મહિનો નહીં, 7 દિવસમાં તપાસકરો. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ સાથે જોડાયેલા ઘટના ક્રમ વિશે પણ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, દેશમાં અંતે થઈ શું રહ્યું છે? કશું પણ કાયદા પ્રમાણે નથી ચાલતું.

સીજેઆઈ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- પીડિતાને વચગાળાની રાહત માટે ઉત્તર પ્રદેશ સરકાર 25 લાખ વળતરની રકમ આપે. તે સિવાય પીડિતા, તેના વકીલ, પીડિતની માતા અને તેના 4 ભાઈ-બહેનો અને કાકાને સુરક્ષા આપવામાં આવે.

વેન્ટિલેટર પર છે પીડિતા, હાલત નાજુક
ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન પૂછ્યું કે, પીડિતાની સ્થિતિ હવે કેવી છે. આ વિશે સોલિસિટર જનરલે કહ્યું કે, તે વેન્ટિલેટર પર છે. સીજેઆઈએ કહ્યું કે, શું એને શિફ્ટ કરી શકાય એમ છે કે એર લિફ્ટ કરી શકાય એમ છે? આપણે આ વિશે એમ્સને પૂછી શકીએ છીએ. જોકે ડોક્ટર્સે જણાવ્યું છે કે, હાલ પીડિતાની સ્થિતિ ખૂબ ગંભીર છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ કેસમાં સીબીઆઈના તપાસ અધિકારીઓને 12 વાગ્યા સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ પાસે તપાસનો રિપોર્ટ પણ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઉન્નાવ કેસને લગતા દરેક કેસ ઉત્તરપ્રદેશથી બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. સીજેઆઈએ સીબીઆઈને કહ્યું છે કે, જો એજન્સી તપાસ રિપોર્ટ જાહેર કરવા ન માંગતી હોય તો આ કેસની સુનાવણી બંધ બારણે પણ કરી શકાશે.

આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈને જણાવ્યું છે કે, તેમની આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારી સાથે વાત થઈ અને તેઓ લખનઉમાં છે. ડિરેક્ટરનું કહેવું છે કે, કેસની તપાસ લખનઉમાં ચાલી રહી છે તેથી બધા રેકોર્ડમાં પણ લખનઉમાં જ છે. તેથી આ સંજોગોમાં તપાસ અધિકારીઓનું 12 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચવું શક્ય નથી. તેથી મહેતાએ કેસની સુનાવણી કાલ સુધી ટાળવાની અપીલ કરી હતી પરંતુ સીજેઆઈએ આ અરજી નકારી દીધી છે.

બીજેપીએ આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી બહાર કર્યો

ભારતીય જનતા પાર્ટીએ ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી બહાર નીકાળી દીધો છે. આ પહેલાં કુલદીપ સિંહ સેંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ રેપ પીડિતા સાથે થયેલા રોડ એક્સિડન્ટ પછી સેંગરને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશથી બહાર ટ્રાન્સફર થશે કેસ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સોલિસિટર જનરલને કહ્યું છે કે, તેઓ આ મામલે સીબીઆઈ ડિરેક્ટર સાથે વાત કરશે. સીજેઆઈએ સીબીઆઈ અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે ઉન્નાવ કેસનો સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે. એટલું જ નહીં કોર્ટે કહ્યું છે કે, આ કેસ સાથે જેટલા પણ અધિકારીઓ જોડાયેલા છે તેમણે આજે જ કોર્ટમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના અધિકારીઓને પણ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

સીજેઆઈએ ચિઠ્ઠી કોર્ટમાં મોડી પહોંચવા મામલે સવાલ ઉભા કર્યા હતા
આ પહેલાં ઉન્નાવમાં દુષ્કર્મ પીડિત છોકરીના કાર એક્સિડન્ટને સુપ્રીમ કોર્ટે બુધવારે ધ્યાનમાં લીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને જ પીડિત છોકરીની ચિઠ્ઠી નહીં મળવા મામલે ખુલાસો માંગ્યો હતો. ગોગોઈએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી જવાબ આપે કે, આવું કેમ થયું? બીજી બાજુ સુપ્રીમ કોર્ટના આસિસ્ટન્ટ રિજસ્ટ્રાર દ્વારા તૈયાર ઓફિસ રિપોર્ટથી ખુલાસો થયો છે કે, આ કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.

પીડિતાની માતા કેસ ટ્રાન્સફરની અપીલ કરી ચૂકી છે
16 એપ્રિલે પીડિત છોકરીની માતાએ અરજી કરી હતી કે આ કેસને ઉત્તર પ્રદેશ બહાર ટ્રાન્સફર કરવામાં આવે. કારણકે અહીં પોલીસ ચોક્કસ તપાસ નથી કરી રહી. આ વિશે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ સહિત 15 પક્ષકારોને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. પરંતુ આ નોટિસ બે મહિનાને 12 રજિસ્ટ્રીમાં જ દબાયેલી રહી હતી. ત્યારપછી 28 જૂને નોટિસ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી.

આ કેસ રજિસ્ટ્રારની કોર્ટમાં 26 જુલાઈથી લિસ્ટેડ હતો. પરંતુ અત્યાર સુધી સીબીઆઈ સહિત કોઈ પણ પક્ષકારે જવાબ દાખલ કરાવ્યો નથી. પરિવારે 33 ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે નકારી દીધી હતી.

એસપીએ કહ્યું- ફરી તપાસ કરશે
દુષ્કર્મ પીડિતાના પરિવારે તેમને મળતી ધમકી મામલે એક વર્ષમાં 35 વખત ફરિયાદ કરી છે. તે વિશે ઉન્નાવના એસપી એમપી વર્માએ કહ્યું કે, પોલીસને 35 નહીં 33 ફરિયાદ મળી છે. પરંતુ તેમાં તથ્યો નહતા તેથી તેને નકારી દેવામાં આવી હતી. પરંતુ હવે અમે ફરી તપાસ કરીશું.

ભાજપ ધારાસભ્ય, મંત્રીના જમાઈ સહિત 10ના નામ નોંધાયા
આ પહેલાં સીબીઆઈએ કારને ટક્કર મારવાના મામલે બુધવારે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 10 લોકોની નામજોગ અને 20 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓમાં નવાબગંજના બ્લોક પ્રમુખ અરુણ સિંહ પણ સામેલ છે. તે યુપીમાં મંત્રી રવિન્દ્ર પ્રતાપ સિંહનો જમાઈ છે. તેને સેંગરનો ખાસ માનવામાં આવે છે.