આંદોલન યથાવત્, મોડી રાત્રે ધાનાણી, અમિત ચાવડા ઉમેદવારોને મળ્યા

ગુજરાત મુખ્ય સમાચાર

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ કારણે રાજ્ય સરકારે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ નીતપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લાગતું હતું કે હવે આંદોલનનો અંત આવી જશે. જોકે હજુ પણ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.

આંદોલનને લીડ કરનાર યુવરાજ સિંહ જાડેજા સીટની રચના કર્યા પછી હટી જતા હવે કૉંગ્રેસ મેદાનમાં આવી છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સર્મથનમાં મોડી રાત્રે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓએ ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી અને તેમને સમર્થન આપ્યું છે.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છીએ. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. અમે આખી રાત તમારી સાથે બેસીસું.

આ પહેલા બપોરે હાર્દિક પટેલ પણ અહીં ઉમેદવારોની વચ્ચે આવ્યો હતો. જોકે ઉમેદવારોએ હાર્દિકના વિરોધ સાથે હાર્દિક ગો બેકના નાારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન એક પરીક્ષાર્થીએ હાર્દિક પટેલનો ઉધડો લીધો હતો. રાજકોટની એક પરીક્ષાર્થીએ હાર્દિક પટેલની હાજરીનો વિરોધ કરતા હાર્દિક પટેલ સામે જ બાળાપો કાઢતા કહ્યું કે, “વિદ્યાર્થી તરીકે આપણે તમામે લડવાનું છે. અહીં ભાજપ-કૉંગ્રેસ હોવું જ ન જોઈએ. હું રાજકોટની છું. અમે મહેનત કરી છે એટલે અહીં આવ્યા છીએ. અહીં એક પણ પક્ષ ન હોવો જોઈએ. તમને (હાર્દિક પટેલ) ખબર જ હતી કે અહીં શું થઈ રહ્યું છે, તમારે અહીં રાત્રે આવવાની જરૂરી હતી અત્યારે નહીં. ગમે તે થાય લડી જ લેવું છે.”