કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આખરે સ્વીકાર કર્યો હતો કે તેઓ ગ્રેજ્યુએટ નથી, એટલે કે તેમની પાસે કોઇ ડીગ્રી નથી. ઉત્તર પ્રદેશના અમેઠીમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વેળાએ આપેલા સોગંદનામામા તેમણે આ સ્વીકાર કર્યો હતો તેણે કોલેજને પહેલા પાર્ટમાં જ છોડી દીધી હતી.
તેઓએ ૧૯૯૧માં સેકન્ડરી સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૯૩માં સીનિયર સેકન્ડરી સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૪માં દિલ્હી યૂનિવરર્સિટીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગના ત્રણ વર્ષના બેચલર ઓફ કોમર્સ કોર્સમાં એડમિશન લીધુ હતું પણ પહેલા પાર્ટમાં જ તેને છોડી દીધુ હતું એટલે કે કોલેજ પુરી નથી કરી. જેને પગલે હવે કોંગ્રેસે ટોણો મારતા કહ્યું હતું કે ક્યૂ કી મંત્રી (સ્મૃતિ) ભી કભી ગ્રેજ્યુએટ થી.
સાથે જ કોંગ્રેસે સ્મૃતિ ઇરાની પર પોતાના શિક્ષણને લઇને જુઠ બોલવાનો આરોપ લગાવ્યો હતો અને આ મામલે ચૂંટણી પંચ સમક્ષ પણ ફરિયાદ કરી છે. કેમ કે આ પહેલા ૨૦૦૪માં દિલ્હીના ચાંદની ચોક લોકસભા મત વિસ્તારમાં ઉમેદવારીપત્ર ભરતી વેળાએ સ્મૃતિએ જણાવ્યું હતું કે તેઓએ ૧૯૯૬માં દિલ્હી યુનિ.માંથી બીએની ડીગ્રી લીધી છે. જ્યારે ૨૦૧૧માં ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે હું ગ્રેજ્યુએટ છું.
જોકે હવે તેમણે સ્વીકાર્યુ કે આવી કોઇ ડીગ્રી નથી લીધી અને અભ્યાસનો પહેલો પાર્ટ જ અધુરો છોડી દીધો છે. ક્યૂં કી સાસ ભી કભી બહુ થી સીરીયલને કારણે સ્મૃતિ ઇરાની વધુ ચર્ચામાં આવ્યા હતા, જેને ટાંકીને કોંગ્રેસે હવે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે ક્યૂ કી મંત્રી (સ્મૃતિ) ભી કભી ગ્રેજ્યુએટ થી.
કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સ્મૃતિ ઇરાનીએ જુઠ બોલીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કલમ ૧૨૫એના સેક્શન ૩૩નું ઉલ્લંખન કર્યું છે.
સ્મૃતિને સિરિયલ લાયર ગણાવતા કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પદે રહીને સ્મૃતિએ દેશ, કોર્ટ, ચૂંટણી પંચ સમક્ષ જુઠ બોલ્યું છે તેથી તેમને તાત્કાલીક બધા જ પદોથી હટાવવામાં આવે. આ ઉપરાંત અમેઠીમાં તેમણે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે તેને પણ રદ કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી છે. તેથી સ્મૃતિની મુશ્કેલી વધી શકે છે.