વીજવપરાશકારોને માથે 1281 કરોડનો વધારોઃ અદાણી આપશે આંચકો

ગુજરાત

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી)એ અદાણી પાવરને યુનિટદીઠ વીજદરમાં આજે ૭૪ પૈસાનો વધારો કરી આપ્યો છે. આમ તો અદાણી પાવરે ગુજરાત સરકારની મંજૂરીથી પહેલી ઓક્ટોબર ૨૦૧૮થી જ આ વધારો વસૂલવાનું ચાલુ કરી દીધું છે. નિયમ મુજબ સીઈઆરસી મંજૂરી આપે તે પછી આ વધારો વસૂલી શકાય છે.

પરંતુ સીઈઆરસીએ ૧૨મી એપ્રિલ ૨૦૧૯ના મંજૂરી આપી તેના છ મહિના અગાઉથી જ ગુજરાત સરકારના પરિપત્રને આધારે યુનિટદીઠ ૭૪ પૈસાનો વધારો વસૂલવાનો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ અદાણી પાવર સાથેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટની મુદત પણ ૧૦ વર્ષ વધારીને ૩૫ વર્ષ કરી આપવામાં આવી છે.

સીઈઆરસીએ કરી આપેલા આ વધારાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજવપરાશકારોને માથે રૃા., ૧૦૬.૫ કરોડ અને વરસે ૧૨૮૧ કરોડનો વધારો આવશે.

આમ ગુજરાત સરકાર સાથે યુનિટદીઠ રૃા. ૨.૨૫ના ભાવે વીજ સપ્લાય કરવાના કરાર કરનાર અદાણી પાવરને યુનિટદીઠ રૃા. ૪ લેવાની છૂટ આપીને અદાણી પાવરને તેની રૃા. ૯૪૭૫ કરોડની ખોટને ઓછી કરવાનો રસ્તો કરી આપ્યો છે. આ હકીકત દર્શાવે છે કે ગુજરાત સરકાર પ્રજાના હિતન ભોગે ઉદ્યોગોને સાચવવાનું વલણ ધરાવે છે.

જોકે સીઈઆરસીએ ફિક્સચાર્જ તરીકે યુનિટદીઠ લેવાતા ૨૦ પૈસા લેવાનું બંધ કરી દેવાની સૂચના આપી છે. પરિણામે અદાણી પાવરને આપવામાં આવેલા યુનિટદીઠ ૯૪ પૈસાનો વધારો ઘટીને ૭૪ પૈસા થયો છે. તેમ જ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ૧૯૦૦ પ્લસ મેગા વોટને બદલે હવે ૨૪૦૦ મેગાવોટથી વધુ વીજળીની ખરીદી કરવામાં આવશે. આમ આ કરારમાં ૫૦૦ મેગાવોટ વધુ વીજળી ખરીદવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

સીઈઆરસીએ મંજૂર કરેલા વધારા પછી અદાણી પાવર ગુજરાત સરકારની વીજકંપનીઓને યુનિટદીટ રૃા. ૪ના ભાવે વીજળીનો પુરવઠો આપશે. તેની સાથે એવી દલીલ કરવામાં આવી છે કે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી ગુજરાત સરકારની વીજ કંપનીઓ યુનિટદીઠ રૃા. ૪.૩૦ના ભાવે વીજળીની ખરીદી કરે છે.

તેથી અદાણી પાવર પાસે યુનિટદીઠ રૃા. ૪ના ભાવે વીજળી ખરીદવામાં આવે તો પણ ગુજરાતની પ્રજાને તે વીજળી સસ્તી પડશે. આ વધારા સાથે વીજ નિયમન પંચમાં કોઈએ ખાસ વાંધા પણ ન લીધા હોવાનું સીઈઆરસીએ જણાવ્યું હતું.