કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશો કાશ્મીરીઓ અને અન્ય ભારતીય મુસ્લિમોને ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના માટે હવે તેઓ ટીવી ચેનલોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાની ભીતિ છે. જેથી સરકારે કેબલ ઓપરેટરોને ચેતવણી આપી છે કે આવી ચેનલોનું પ્રસારણ અટકાવવામાં આવે.
કેન્દ્ર સરકારના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હાલ ઇન્ટરનેટ બંધ હોવાથી કેટલીક ઇસ્લામિક ધાર્મિક ચેનલો પર ધર્મના નામે ભડકાવનારા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેને પગલે આવી ચેનલો પર નજર રાખવામાં આવી રહી છે. સરકારને એવી શંકા છે કે મુસ્લિમ દેશો ખાસ કરીને પાકિસ્તાન, ઇરાન, ઇરાક, તુર્કી, મલેશિયા વગેરેની ટીવી ચેનલો કાશ્મીરમાં પણ દેખાડવામાં આવી રહી છે.
આવી ચેનલો પર પાકિસ્તાનના કહેવાથી કટ્ટરવાદી કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેથી કાશ્મીરીઓને ભડકાવી શકાય. જેથી હાલમાં જ કેબલ ઓપરેટરોની સાથે સરકારના અધિકારીઓએ એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં કેબલ ઓપરેટનો ચેતવણી આપવામાં આવી છે કે જો કોઇ પણ પ્રતિબંધિત અને યાદીમા સામેલ ન હોયા તેવી ચેનલો બતાવવામાં આવી તો લાઇસંસ રદ કરી દેવામાં આવશે. સરકારને એવી શંકા છે કે કેબલ ઓપરેટરો એવી ચેનલો પણ દેખાડી રહ્યા છે કે જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ન હોય.
સરકાર દ્વારા આયોજીત બેઠકમાં સામેલ કેબલ ઓપરેટરોએ મીડિયાને જણાવ્યું હતું કે અમને પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશોની ચેનલોને કાશ્મીરમાં ન દેખાડવાની સુચના આપવામાં આવી છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

