ટાટા સ્ટીલ ખર્ચ ઘટાડવા યુરોપમાં ત્રણ હજાર કર્મચારીઓને પાણીચુ આપશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ટાટા સ્ટીલ પોતાના યુરોપિયન ઓપરેશનમાં 3000 નોકરીઓ ઘટાડવાનું વિચારી રહી છે. નબળી માગ અને ઉંચી પડતરનો સામનો કરી રહેલી સ્ટીલ કંપનીએ આ માહિતી આપી હતી.

ભારતની સ્ટીલની જાયન્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે 3000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેમાં 75 ટકા કર્મચારીઓ ઓફિસમાં વ્હાઇટ કોલર ભૂમિકા ભજવી રહ્યાં છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ માહિતી યુરોપિયન વર્ક્સ કાઉન્સિલ સિલેક્ટ કમિટીને પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં સ્ટીલની માગ ઘટી છે.

ટાટા સ્ટીલ યુરોપે એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ચ, 2021માં પૂરા થનારા નાણાકીય વર્ષથી કંપનીના પરિણામોમાં સુધારો જોવા મળશે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે કંપનીની નાણાકીય સિૃથતિ સુધારવા માટે ખર્ચમાં ઘટાડો કરવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટાટા સ્ટીલ યુરોપના સીઇઓ હેનિરિક એડમે એક નિવેદનમાં જણાવ્યું હતું કેે અમે યુરોપિયન બિઝનેસને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા માગીએ છીએ. ઉલ્લેખનીય છે કે થોડાક જ મહિના પહેલા ટાટા સ્ટીલ યુરોપે બ્રિટનના બે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના કારણે 400 કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.

સાઉથ વેલ્સમાં આવેલા ન્યૂપોર્ટમાં નુકસાન કરતા ઓર્બ ઇલેક્ટ્રીકલ સ્ટીલ બિઝનેસને વેચવામાં નિષ્ફળ ગયા પછી ટાટા સ્ટીલે આ જાહેરાત કરી હતી. છેલ્લા જાહેર થયેલા આંકડા અનુસાર એપ્રિલ, 2019થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ટાટા સ્ટીલ યુરોપની ઇબીઆઇટીડીએ(અર્નિગ્સ બિફોર ઇન્ટેરસ્ટ, ટેક્સ, ડેપ્રિશિયેસન અને એમોર્ટિઝાઇશન) 90 ટકા ઘટીને 3.1 કરોડ પાઉન્ડ અને આવક 3.25 અબજ પાઉન્ડ રહી હતી.