બાંગ્લાદેશના ફાસ્ટ બોલર શહાદત હોસૈને રવિવારે રમાયેલી ઘરઆંગણાની એક મેચ દરમિયાન અન્ય એક ખેલાડી અરાફાત સની પર હૂમલો કર્યો હતો. શહાદરે સનીને લાતો અને મુક્કા માર્યા હતા. જે પછી અન્ય ખેલાડીઓ અને ઓફિસિઅલ્સે દરમિયાનગીરી કરી હતી. આખરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદત હોસૈન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.
આ પ્રતિબંધને કારણે ૩૩ વર્ષના શહાદતની કારકિર્દીનો અંત આવી ગયો હોવાનું મનાય છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદત હોસૈનને ત્રણ લાખ ટકા (બાંગ્લાદેશનું ચલણ)નો દંડ પણ ફટકાર્યો છે. નેશનલ ક્રિકેટ લીગની મેચ દરમિયાન શહાદત હોસૈન અને અરાફાત સની જુનિયર વચ્ચે બોલને ચમકાવવા અંગે બોલાચાલી શરૃ થઈ હતી, જેણે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતુ.
બાંગ્લાદેશે શહાદત તરફ કૂણું વલણ દર્શાવતા તેને કરેલી પાંચ વર્ષની સજામાંથી બે વર્ષ સસ્પેન્ડ કરી દીધા છે, જેના કારણે તેને હકીકતમાં ત્રણ જ વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડશે.

