હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે.
ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
આ વાતની પુષ્ટિ તેલંગાણાના લૉ એન્ડ ઓર્ડરના એડિશનલ DG IPS જિતેન્દ્રએ બીબીસી સમક્ષ કરી છે.
પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.
ઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રિ-કન્સ્ટ્રક્ટ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં છે.
શું છે ઘટના?
હૈદરાબાદ શહેરથી થોડે દૂર 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ થયો અને બાદમાં જીવતાં સળગાવી દેવામાં આવ્યાં.
આ ઘટના બાદ દેશભરમાં આરોપીઓને મૃત્યુદંડની માગ ઊછી હતી અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા.
ઘટના બાદ પત્રકારપરિષદમાં પોલીસે કહ્યું, “ટ્રકડ્રાઇવર અને ક્લીનર ટોલપ્લાઝાની પાસે દારૂ પી રહ્યા હતા.”
“આ દરમિયાન સ્કૂટરમાં પંચર થવાને કારણે એકલી ઊભેલી યુવતી પર તેમની નજર પડી. તેઓ પંક્ચર કરાવી આપવાના બહાને તેમને પોતાની સાથે લઈ ગયા.”
“આરોપીઓએ બુધવારની રાતના 9.30 વાગ્યાથી ગુરુવારની સવારના 4 વાગ્યા સુધી ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી દીધી.”
“હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહને આશરે 30 કિલોમિટર દૂર એક પુલની નીચે લઈ ગયા અને મૃતદેહને ચાદરમાં લપેટીને કેરોસીન છાંટીને સળગાવી દીધો.”
“સળગાવી દીધા પછી શબ સરખું સળગી ગયું છે કે નહીં તેની પણ તેમણે તપાસ કરી અને પછી તેઓ ઔરંગાબાદ નીકળી ગયા.”
આ ઘટનામાં ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
યુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં.

