અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદૌસ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ LRD જવાન બળદેવસિંહ પઢિયાર અને હોમગાર્ડ જવાન રવિ પટેલ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીતરફ આરોપી સુનિલ મચ્છી અમરાઇવાડીનો લિસ્ટેડ બુટલેગર અને પોલીસનો બાતમીદાર હોવાનો ખુલાસો થયો છે. તેમજ મૃતક હોમગાર્ડને રથયાત્રા બાદ ફરજમાંથી બરતરફ કરાયો હોવાની પણ પોલીસને માહિતી મળી છે.
હોમગાર્ડ જવાન બુટલેગરના ઘરે રૂ. 5 હજાર રૂપિયા લેવા ગયો હતોઃ ડીસીપી
ગુરૂવારે રાત્રે રવિ પટેલ અને બળદેવસિંહ પઢિયાર બુટલગેર સુનિલ મચ્છી પાસે અગાઉના પૈસાની લેતી-દેતી બાબતે મળવા ગયા હતા.જ્યાં બોલાચાલીમાં મામલો બિચકતાં બુટલેગરે છરી વડે હુમલો કરતા હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ હત્યા પૈસાની લેતી-દેતી મામલે થઈ હોવાનું સામે આવ્યું ત્યારે હોમગાર્ડ જવાન રવિ પટેલે બુટલેગરને વ્યાજે પૈસા આપ્યા હતા કે તેની ઉઘરાણી કરવા ગયો હતો તે બાબતે તપાસ શરૂ થઈ હતી. આ મામલે ઝોન-5 ડીસીપી રવિ વાસમશેટ્ટીએ જણાવ્યું કે હોમગાર્ડ જવાન બુટલેગર સુનિલના ઘરે પાંચ હજાર રૂપિયા લેવા ગયો હતો.
હોમગાર્ડે સીધી પૈસાની માંગણી કરતા સુનિલે મચ્છીએ હુમલો કર્યો
મૃતક હોમગાર્ડ જવાન રવિ પટેલે બુટલગેર સુનિલને વ્યાજે પૈસા આપ્યા હતા. જે પૈસા બુટલગેર આપતો ન હોવાથી પૈસા માટે ઘરે ગયા હોવાની વાતને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યાં હોમગાર્ડ જવાનની સાથે તેનો મિત્ર એલઆરડી બળદેવસિંહ પણ આવ્યો હતો. આ દરમિયાન પૈસા બાબતે માથાકુટ થઇ હતી અને બાદમાં અચાનક બુટલેગર સુનિલે છરી વડે બંન્ને પર હુમલો કર્યો હતો. તેની સાથે સાથે એલઆરડી અને હોમગાર્ડ જવાન હુમલાખોર સુનિલ મચ્છી પાસે દારૂનો હપ્તો લેવા ગયા હોવાની ચર્ચા ચાલી હતી. પરંતુ ઝોન-5 ડીસીપી રવિ વાસમશેટ્ટીએ આવી કોઈ બાબત ન હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ આરોપી સુનિલનું કહેવું છે કે હોમગાર્ડ જવાને સીધા પૈસાની માંગણી કરતા સુનિલે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઝનૂની સ્વભાવનો છે અને તે તામસી પ્રકૃતિનો હતો.
આરોપી બુટલેગર સુનિલ મચ્છી વિરુદ્ધ 11થી વધુ ગુના
અમરાઈવાડીના લિસ્ટેડ બુટલેગર સુનિલ મચ્છી વિરુદ્ધ 11થી વધુ ગુના નોધાયા છે. હાલ પોલીસ હોમગાર્ડ જવાનની હત્યા પાછળ અન્ય કોઇ કારણ છે કે કેમ તેની તપાસ ચાલી છે. પરંતુ બુટલેગરો દ્ધારા પોલીસ કર્મી પર હુમલાના બનાવો છાશવારે બની રહ્યા છે તે બાબત ગંભીર છે.

