શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ શહેજાદ પઠાણ નામના કેદીએ આત્મહત્યા કરી લીધી છે.
પોલીસનું કહેવું છે કે, રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતો શહેજાદ પઠાણ વર્ષ 2017માં વસ્ત્રાપુરમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં જેલમાં બંધ હતો. જો કે છેલ્લા કેટલાય દિવસથી તેનું વર્તન અચાનક જ બદલાઇ ગયું હતું. શહેજાદ પઠાણ કેટલાય દિવસથી એગ્રેસીવ અને ગુસ્સામાં રહેતો હતો જ્યારે કેટલીક વખત સાથી કેદીઓ સાથે મારામારી પણ કરતો હતો. જેથી જેલસત્તાધીશોએ તેને અલગ બેરેકમાં રાખ્યો હતો.
જોકે આજે સવારે ચાદરથી તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જેલ સત્તાધીશોને જ્યારે ઘટનાની જાણ થઇ હતી ત્યારે સમગ્ર બાબતની જાણ રાણીપ પોલીસને કરવામાં આવી હતી. જેથી રાણીપ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરતાં તેઓ પણ તાત્કાલિક આવી પહોચ્યા હતાં. હાલમાં પોલીસએ શહેજાદના મૃતદેહને પોસ્ટમો્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગત વર્ષે કેટલાક કેદીઓએ આત્મહત્યા કરી હોય અથવા આત્મહત્યાની કોશિસ કરવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં હમણાં જ રાજપીપળાની કોર્ટમાં જજની સામે જ એક આરોપીએ સુસાઈડ નોટ આપી ખીસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી ગટગટાવી દીધી હતી. જોકે તેને બચાવી લેવામાં આવ્યો હતો. આજ રીતે નડીયાદની બિલોદરા જેલમાં એક હત્યાના આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી, તો મહેસાણાના વડનગરની સબ જેલમાં પુત્રવધુની હત્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલી મહિલાએ બાથરૂમમાં પોતાની સાડી વડે ગળે ટુંપો ખાઈ આત્મહત્યાની ઘટના સામે આવી હતી.

