સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ધમાકેદાર એન્ટ્રી, લોકો ખુશખુશાલ

ગુજરાત મુખ્ય સમાચાર

અમરેલી લાઠીના ગ્રામ્ય વિસ્તારો કેરિયા, શેખપીપરિયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગાગડીયા નદીમાં પુર આવ્યું હતુ. નદીના ધસમસતા પુરમાં બાઈક ચાલક તણાયો હતો. નદીમાં આવેલું પુર જોવા આવેલા લોકોની નજર પડતા બાઈક ચાલકને બચાવી લવાયો હતો.

સુરતમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કામરેજ, વરાછા, ઉધના, વેસુ, અઠવાગેટ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બાદમાં વીજળીના ચમકારા સાથે ઝાપટું પડ્યું હતું. દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર એવા ઉમરગામ તાલુકામા મેઘરાજાનું આગમન થયું હતુ. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતો પણ ખુશ ખુશાલ થયા છે. ડાંગર શાકભાજીના પાકોને જીવતદાન મળ્યું હતુ.

રાજકોટ જીલ્લાના જામકંડોરણામા બપોરબાદ વરસાદી મહોલ છવાયો હતો. બપોર બાદ ત્રણ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમા બે કલાકમા ૩૫ મી.મી.વરસાદ પડયો હતો. વરસાદથી જામકંડોરણાની ઉતાવળી નદી, સારણ નદી અને ફોફળ નદીમાં પૂર આવ્યું હતુ. લોકો પૂર જોવા માટે નદી કિનાર ઉમટયા હતા.