જીએસટીમાં આધારથી રજિસ્ટ્રેશન થઈ શકશે, વાર્ષિક રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 2 મહિના વધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની 35મી બેઠક થઈ છે. તેમાં ઘણાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેયે જણાવ્યું કે બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે હવે વેપારી આધાર દ્વારા જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે ઘણાં દસ્તાવેજોની જરૂરિયાત પડતી હતી. તેમણે જણાવ્યું કે આધાર દ્વારા રજીસ્ટ્રેશનથી વેપારીઓને ઘણાં ફાયદા પણ થશે.

નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે
1. પાંડેયે કહ્યું કે અમે જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધારના ઉપયોગનો નિર્ણય કર્યો છે. હવે વ્યક્તિ આધાર દ્વારા ઓનલાઈન જીએસટી રજિસ્ટ્રેશન માટે એપ્લાઈ કરી શકે છે. બાદમાં તેને ઓટીપી મળશે, જેના દ્વારા તે જીએસટીએન પોર્ટલ પર પોતે રજિસ્ટર કરી શકે છે અને રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત કરી શકે છે.

2. તેમાં જીએસટી રજિસ્ટ્રેશન માટેની સીમાને 20 લાખથી વધારીને 40 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવરની કરવામાં આવી છે.

3. જીએસટી અંતર્ગત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની સમય સીમાને બે મહીના વધારીને 30 ઓગસ્ટ 2019 કરવામાં આવી છે. પહેલા તે 30 જૂન 2019 હતી. જીએસટીની નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.