બહુચર્ચિત ટ્રિપલ તલાક બિલ આજે ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. મોદી સરકારે 17મી લોકસભામાં શુક્રવારે પોતાના પ્રથમ બિલ તરીકે ‘મુસ્લિ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ 2019’ રજૂ કર્યું. વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલના સમર્થનમાં 186 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં 74 મત પડ્યા હતા. સરકાર દ્વારા બિલ રજૂ કવરામાં આવતા જ પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઘમસાણ શરૂ થયું હતું. ખાસ કરીને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને ઓલ ઈન્ડિયા મજસિલ-એ-ઈત્તેહાદ ઉલ મુસલમિનના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે તણખા ઝર્યા હતા. કાયદા મંત્રીએ ગૃહમાં બિલ રજૂ કરતા તેને મુસ્લિ મહિલાઓના હિતોની રક્ષા માટે મહત્વનું ગણાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સહિત અન્ય વિપક્ષોએ બિલને ગેરબંધારણીય અને ભેદભાવભર્યું હોવાનું કહીને તેનો વિરોધ કર્યો હતો.
સંસદમાં રજૂ થયેલા આ બિલમાં એક જ વખતમાં ટ્રિપલ તલાક આપવા પર રોક લગાવવા તેમજ જેલ સુધીની સજા કરવાની જગવાઈ છે. અગાઉ ગત લોકસભામાં આ બિલ પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં સરકાર પાસે પુરતું સંખ્યાબળ ના હોવાથી તે અટક્યું હતું. 16મી લોકસભા ભંગ થવાથી આ બિલને ફરીથી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
બિલને રજૂ કરતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ‘ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં બિલ પસાર થયું હતું, રાજ્યસભામાં પેન્ડિંગ હતું. જો કે રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો અને નવી લોકસભા રચારા બિલને ફરીથી રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પર દલીલ અને તેની વ્યાખ્યા કોર્ટમાં કરવામાં આવે છે, લોકસભાને કોર્ટ ના બનાવવી જોઈએ.’

