આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે એક ખુશખબર છે. વડાપ્રધાન મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક સર્વેક્ષણમાં રીડર્સે 2019ના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદ કર્યા છે. વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ જેવા દિગ્ગજ નેતાઓને ધોબી પછાડ આપીને મોદી આ યાદીમાં પહેલા સ્થાન પર પહોંચ્યા છે.
નોમિનેશન લિસ્ટમાં દુનિયાના 25થી પણ વધારે પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જજીસની પેનલ એક્સપર્ટે સૌથી તાકાતવાન વ્યક્તિ તરીકે મોદી પર પસંદગી કળશ ઢોળ્યો છે. જજીસની એક્સપર્ટ્સ પેનલે ચાર શક્તિશાળી ઉમેદવારોને પસંદ કર્યા હતા જેમાંથી સૌથી તાકાતવાન વ્યક્તિ તરીકે વડાપ્રધાન મોદીનું નામ જાહેર કર્યું હતું.
આમાં પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે થતી હોય તેનાથી અલગ હતી. બ્રિટિશ હેરાલ્ડના રીડર્સે ઓટીપી દ્વારા વોટિંગ કરવાનું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે વોટિંગ વખતે ભારે ધસારો રહેતા સાઈટ જ ક્રેશ થઈ ગઈ હતી. શનિવારે વોટિંગ બંધ થયા બાદ જાહેરાત કરવામાં આવી કે નરેન્દ્ર મોદીને સૌથી વધારે 30.9 ટકા વોટ મળ્યા હતા. તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ પુતિન, ટ્રમ્પ અને જિનપિંગની સરખામણીએ ઘણા આગળ હતા.
આ પોલમાં મોદી પછી બીજા ક્રમાંક પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને 29.9 ટકા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 21.9 ટકા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 18.1 વોટ મળ્યા હતા.

