પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વારાણસીમાં મુલાકાત થશે. ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે 3 દિવસનાં ચીન પ્રવાસ પર છે. તેમણે સોમવારનાં ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીની સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેમણે એ વાતની જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ઑક્ટોબરમાં વારાણસીમાં મળી શકે છે.
સોમવારનાં ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી. ત્યારબાદ જ નક્કી કરવામાં આવ્યું કે ભારત અને ચીનની વચ્ચે અનૌપચારિક સમિટ 11 ઑક્ટોબરનાં વારાણસીમાં થશે. 2018માં પહેલી સમિટ વુહાનમાં થઇ ચુકી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, “વુહાનમાં થયેલી પહેલી સમિટથી બંને દેશોનાં સંબંધ સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે. બંને દેશોનાં સંબંધોમાં ઘણો વિકાસ થયો છે.” જયશંકરે કહ્યું કે, “ચીને માનસરોવર યાત્રાને વિસ્તાર આપવાની ઑફર કરી છે. આ ઉપરાંત ભારતની પ્રોડક્ટ્સ માટે ચીનનાં બજાર આપવાની વાત કરી છે.”
ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, “અમે ભારતને ચીનનાં બજારમાં ઘણી સુવિધાઓ આપવા માટે તૈયાર છીએ, જેનાથી ભારતનો ચીનમાં વેપાર વધી શકે” ભારત અને ચીન વચ્ચે આ વાતચીત એ સમયે થઇ રહી છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવી દેવામાં આવી છે અને લદ્દાખનો વિશેષ દરજ્જો ખત્મ કરી દેવામાં આવ્યો છે. ચીનનાં વિદેશ મંત્રીએ કહ્યું કે, “અમને ખબર છે કે બંને દેશો વચ્ચે કેટલાક મતભેદ છે. અમે તેનાથી ભાગતા નથી. અમને ખબર છે કે આપણે તેનું એક પ્રક્રિયા તરીકે નિરાકરણ લાવવાનું છે. અમને ખબર છે કે ભારત અને પાક્સિતાન વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે, પરંતુ અમારો આ મામલે પણ સ્પષ્ટ મત છે.”

