જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના પૂનર્ગઠનને લઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આંટફેરા મારી આવ્યું પરંતુ કોઈએ તેને ભાવ આપ્યો નથી. વિલા મોઢે પાકિસ્તાને પાછા ફરવાનો વારો આવ્યો આવ્યો છે. વિશ્વ સમુદાય એકસૂરે ભારતની પડખે ઉભો છે, જેને લઈને પાકિતસ્તાન હવે બરાબરની અકળામણ કાઢી રહ્યું છે. હવે ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ રોષ સાથે હતાશા પણ ઠાલવી છે.
જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનો પ્રોપેગંડા કેવી રીતે નિષ્ફળ રહ્યો, તેનો ઉલ્લેખ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ કર્યો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં કુરેશીએ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ આપણને સમર્થન મળવું મુશ્કેલ છે.
યૂએઈ, અમેરિકા, ચીન, રશિયા અને યુએનમાં જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરૂદ્ધ ફરિયાદ કરી આવ્યા બાદ કોઈએ પાકિસ્તાનને રતી ભાર સરખો પણ ભાવ આપ્યો નથી. બધાજ દેશો-સંગઠનોએ પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ સખણા રહેવાની સલાહ આપી છે. જેને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારે હૈયાવરાળ ઠાલવતા કહ્યું છે કે, આપણે મુરખાઓના સ્વર્ગમાં ના રહેવું જોઈએ. પાકિસ્તાની અને કાશ્મીરીઓએ એ વાત સમજી લેવી જોઈએ કે તમારી સાથે કોઈ જ નથી ઉભુ. તમારે એકલા જ સંઘર્ષ કરવાનો રહેશે.
એટલુ જ નહીં, તેમણે પાકિસ્તાન માટે મુશ્કેલ રાહ ગણાવતા કહ્યું હતું કે, કોઈની ભાવનાને ઉશ્કેરવી ખુબ જ આશાન છે. મારે આમ કરવામાં બે જ મિનિટ લાગે. હું 35-36 વર્ષથી રાજકારણ કરી રહ્યો છું, માટે કોઈની ભાવનાઓને ઉશ્કેરવી મારા માટે ડાબા હાથનો ખેલ છે. જ્યારે ઉશ્કેરણી પર વિશ્વાસ કરવો વધારે સરળ છે. પરંતુ હવે કાશ્મીરનો મુદ્દો આગળ વધારવો મુશ્કેલ છે. તેઓ તમારા સ્વાગત માટે હાર-તોરા લઈને નથી ઉભા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની વાત કરનારા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યો છે, તેમાંથી કોઈ પણ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. એટલુ જ નહીં તેમણે મુસ્લીમ દેશોએ પણ સાથ ના આપવાને લઈને કહ્યું હ્તું કે, દુનિયાના ભારત સાથે મોટા હિતો સંકળાયેલા છે. ભારત એક અબજની વસ્તી ધરાવતુ માર્કેટ છે. અનેક લોકોનું મોટા પ્રમાણમાં રોકાણ છે. અનેક મુસ્લીમ દેશોએ ભારતમાં મોટુ રોકાણ કર્યું છે જેથી તેઓ પાકિસ્તાનનો સાથ નથી આપી રહ્યાં.

