ભારતને દશેરાના દિવસે રાફેલ મળશે, ફ્રાન્સમાં રક્ષા મંત્રી હાજર રહેશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી દશેરાના અવસર પર ફ્રાન્સના પાટનગર પેરિસમાં શસ્ત્રપૂજા (હથિયારોની પૂજા) કરશે. પૂજા દરમિયાન ભારતીય વાયુસેના માટે 8 ઓક્ટોબરના ફ્રાન્સ પાસેથી પ્રથમ રાફેલ વિમાન પ્રાપ્ત કરશે. રાજનાથ પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરશે.

રક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહ દર વર્ષે દશેરના અવસરે શસ્ત્ર પૂજા કરે છે. આ વખતે તેઓ ફ્રાન્સમાં રહેશે અને ત્યાં ભારતીય પરંપરાને જાળવશે.’ પ્રથમ રાફેલના ટ્રાયલને આરબી-01 નામ આપવામાં આવ્યું છે. રાફેલ ડીલમાં મહત્વની ભૂમિકા ભજવનાર વાયુસેનાના પ્રમુખ એર માર્શલ આરબીએસ ભદોરિયાના સમ્માનમાં પ્રથમ રાફેલ વિમાનની ટ્રાયલને આ નામ આપવામાં આવ્યું છે.

રાફેલ યુદ્ધ વિમાનની ડીલ ભારત અને ફ્રાન્સ સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. આ ડીલ અંતર્ગત વાયુસેનાને 36 આધુનિક યુદ્ધ વિમાન મળશે. આ સોદો 7.8 કરોડ યુરો અર્થાત 58 હજાર કરોડ રૂપિયાનો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે યુપીએ સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત 600 કરોડ રૂપિયા નક્કી કરાઈ હતી. મોદી સરકારમાં એક રાફેલ રૂ. 1,600 કરોડમાં પડશે.