મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવા અંગે સુપ્રીમ કોર્ટે ખુદ સક્રિયતા દર્શાવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા પત્ર પછી હવે સુપ્રીમ કોર્ટ આ મામલે ૭ ઓક્ટોબરે સોમવારે સુનાવણી હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે એક પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને આરેમાં વૃક્ષછેદનની પ્રવૃતિ અંગે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં અનુરોધ હતો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કરીને આ મામલે ત્વરિત સુનાવણી થવી જોઈએ અને વૃક્ષોને કાપવા અંગે પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ પત્ર કાયદાના વિદ્યાર્થી રિશવે લખ્યો છે. વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે આ મામલે અપીલ કરવા માટે સમય નથી તેથી ચીફ જસ્ટિસને અનુરોધ કરાયો છે.
આરેમાં વૃક્ષછેદનના ૨૯ વિરોધીઓને શરતી જામીન મળ્યા
મુંબઈ: આરેમાં મેટ્રો રેલ માટે વૃક્ષો કાપવાના વિરોધ કરી રહેલા ૨૯ દેખાવકારોની ધરપકડ કરાઈ છે, જેમને હવે સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન અપાયા છે. આ તમામ પર પોલીસ કર્મીઓની ફરજમાં અડચણ સર્જવાનો અને તેમના પર હુમલો કરવાનો આરોપ છે. એડિશનલ સેશન્સ કોર્ટ જજ એચ. સી. શેન્દેએ આ ૨૯ દેખાવકારોને ~ ૭૦૦૦ના જાત મુચરકા પર અને તેઓ દેખાવોમાં સામેલ નહીં થાય એવી શરતે તેમના જામીન મંજૂર કર્યા છે. તમામ ૨૯ દેખાવકારોની ધરપકડ શુક્રવારે કરાઈ હતી. તેઓ આરેમાં વૃક્ષો કાપવાની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા હતા.

