જજોની સંખ્યા 31થી વધારી 34 કરાશે, કેબિનેટની મંજૂરી બાદ બિલ રજુ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 10% વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય 33 જજ હશે. જો કે પહેલા આ સંખ્યા 30 હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેના માટે સંસદમાં બિલ રજુ કરવામાં આવશે .સંસદની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34એ પહોંચશે.

આ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ મે મહિનામાં સુપ્રીમ કોર્ટમાં ચાર જજોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અંદાજે 11 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારીત સંખ્યા 31એ પહોંચી હતી. સરકારે 2008માં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 26થી વધારીને 31 કરી હતી. ત્યારબાદ આ વર્ષે મે મહિનામાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જજનું કોઈ પદ ખાલી નથી રહ્યું.

જમ્મુ કાશ્મીરમાં સવર્ણોને આર્થિક આધારે 10% અનામતઃ કેન્દ્રીય કેબિનેટમાં જમ્મુ-કાશ્મીરમાં પણ ગરીબ સવર્ણો માટે 10% અનામત પર મહોર લગાવી દેવાઈ છે. તેનાથી આર્થિક રીતે નબળા વર્ગને પણ નોકરી અને શિક્ષણમાં અનામત મળશે. જમ્મુ-કાશ્મીરમાં હાલ વિધાનસભા ચાલતી નથી. ત્યાં રાજ્યપાલ શાસન લાગુ છે, જેથી રાજ્ય સરકારની જવાબદારી કેન્દ્રીય કેબિનેટ પર આવી જાય છે.

અન્ય દેશો સાથે કાર્યક્રમમાં જોડાશે ઈસરોઃ જાવડેકરે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, એજન્સી ઝડપથી મોસ્કોમાં ટેકનિકલ લાયજન યુનિટ(સંપર્ક કેન્દ્ર) તૈયાર કરશે. આ યુનિટ રશિયા અને પાડોશી દેશની સ્પેસ એજન્સીઓ અને ઉદ્યોગો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ઈસરોએ બોલિવિયાની સ્પેસ એજન્સી સાથે પણ અંતરિક્ષ પર્યાવરણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે.