દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર ધીમું પડવા સાથે બુધવારે ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંડવીમાં ૩.૫ અને ઓલપાડમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત પડેલા વરસાદ અને ઉપવાસમાંથી પાણીની આવકને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ અને નવસારી જિલ્લાના વાંસદાનો જુજ તથા ગણદેવીનો દેવધા ડેમ છલકાયા હતા. જેને પગલે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.
સુરત જિલ્લામાં બુધવારે દિવસે આખો દિવસ સર્વત્ર વરસાદ વરસ્યો હતો. દિવસના ૧૨ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨.૪ ઇંચ વરસાદ નોંધાવા સાથે હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપરવાસમાં સતત ચાર દિવસથી મુશળધાર વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતાં બુધવારે સવારે માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો છે. કાકરાપાર ડેમની સપાટી ૧૬૦ ફૂટ છે.જે સપાટીની ઉપરથી ૦.૬૦ ફૂટ પાણી વહી રહ્યું છે. ડેમની સપાટી પાર કરીને ૩૩૦૦ ક્યુસેક પાણી વહી રહ્યું છે. સુરત શહેરમાં પણ આખો દિવસ પૂરઝડપે પવન ફુંકાવવાની સાથે સતત વરસાદ રહ્યો હતો. ૨ ઇંચમાં પણ મેઘરાજા જયાં પણ વરસતા હતા ત્યાં એવા તોફાની વરસતા હતા કે વાહન ચલાવવાની પણ તકલીફ પડતી હતી.
નવસારી જિલ્લામાં સાંજે ૪-૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાકમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકાનો જુજ ડેમ ઓવરફ્લો થયો હતો. જુજ ડેમ તેની ૧૬૭૦.૫૫ મીટરની સપાટી છે. આ સપાટી ઉપરથી ૩૫ સે.મી પાણી વહી રહ્યું છે. જ્યારે ગણદેવીનો દેવધા ડેમ પણ ઓવરફ્લો થયો હતો. બીલીમોરા નજીકની વેંગણીયા નદીમાં પૂરની સ્થિતિ બનતા ગણદેવી-બીલીમોરા જતાં રસ્તા પર વેંગણીયા નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. ચીખલીના ચરી ગામે ખાડી પરથી બે દિવસ પહેલા તણાયેલા ખેડૂતની હજી સુધી ભાળ મળી નથી. જ્યારે ભાટ ગામે દરિયામાં લાપતા થયેલા બંને માછીમારની લાશ મળી આવી હતી.
ડાંગ જિલ્લામાં મેઘરાજા ધીમા પડતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને દિવસભર ગાઠ ધુમ્મસીયા વાતાવરણની મજા માણી હતી. તાપી જિલ્લામાં વરસાદ યથાવત જોવા મળ્યો હતો. વ્યારાના રાજનગર પાસે કોલેજ રોડ પર એક વૃક્ષ તુટી પડયું હતું. તો શીંગી ફળિયામાં કાચુ મકાન ધરાશાય થયું હતું. નિઝરના અંર્તુલી ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઇનના ૨ પોલ જમીન દોસ્ત થયા હતા. જેથી વિજ પુરવઠો ખોરવાયો હતો. વલસાડ જિલ્લામાં સાંજે ૪-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાકમાં સરેરાશ ૨.૪ ઇંચ વરસાદ પડયો હતો.
મધબન ડેમમાં પાણીની આવક ઘટીને ૬૨ હજાર ક્યુસેક થઇ
વાપી, બુધવાર
વલસાડ જીલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સતત ત્રણ દિવસ પાણીની આવકમાં વધારો થયા બાદ બુધવારે આવક ઘટીને ૬૨ હજાર કયુસેક નોંધાઇ હતી. ડેમ સત્તાવાળાઓએ ડેમના ૧૦ પૈકી ૪ દરવાજા ૩ મીટર ખુલ્લા મુકી દમણગંગા નદી મારફતે ૪૭ હજાર કયુસેક પાણી છોડયું હતું. સાંજે ૪ વાગ્યે ડેમની સપાટી ૭૩.૫ મીટર નોંધાઈ હતી.

