ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.

મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.
શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (127) રનની મદદથી 323/4ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 71 રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે 395 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.

આર અશ્વિને મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી

ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપતા શ્રીલંકાના લેજેન્ડરી સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી છે. અશ્વિને બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપતા 66 ટેસ્ટમાં 350 વિકેટ ઝડપવાના રેકોર્ડની બરોબરી કરી હતી. મુરલીધરને પણ 66 ટેસ્ટમાં 350 વિકેટનો વિક્રમ નોંધાવ્યો હતો. અશ્વિને બીજી ઈનિંગમાં થિઉનિસ ડી બ્રુઈનની વિકેટ ઝડપી હતી. બ્રુઈન 10 રન પર ક્લિન બોલ્ડ થયો હતો.