પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉછાળીને ભલે પોતાની પીઠ થાબડી રહ્યું હોય. પરંતુ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવા બદલ અનેક વખત પાકિસ્તાનની ફજેતી થઈ છે.હવે પાકિસ્તાનના જ એક સામયિકે દાવો કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણથી નારાજ સાઉદી અરબના પ્રિન્સે તેમને પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. તેમના પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી થઈ. પાકિસ્તાનના સામયિક ફ્રાઈડે ટાઈમ્સે દાવો કર્યો છે કે યુએનથી પાછા ફરતી વખતે સાઉદી ક્રાઉન પ્રિન્સે ઈમરાન ખાન જે વિમાનમાં પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા તે પાછું બોલાવી લીધું હતું.તે સમયે કહેવાયું હતું કે ટેકનિકલ ખામીના કારણે ઈમરાન ખાન આ વિમાનમાં પ્રવાસ કરી શક્યા નહોતા. પાકિસ્તાની વડાપ્રધાને બીજા દિવસે કમર્શિયલ ફ્લાઈટમાં પાકિસ્તાન પરત ફરવું પડયું હતું. હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનની સ્પીચથી ગુસ્સે ભરાયેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વિમાન પાછું બોલાવી ઈમરાનને ઉતારી મૂક્યા હતા.સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ભાગ લેવા માટે ઈમરાન ખાન સાઉદી પ્રિન્સના વિમાનમાં જ અમેરિકા ગયા હતા. ઈમરાન ખાન આ જ વિમાનમાં પાકિસ્તાન પરત ફરવાના હતા. જોકે, હવે પાકિસ્તાની સામયિકે દાવો કર્યો છે કે કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ મોહમ્મદ બિન સલમાનની નારાજગીના કારણે ઈમરાને વિમાનમાંથી પાછા ફરવું પડયું હતું.સાઉદી પ્રિન્સ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધોથી પણ નારાજ હતા. જોકે, પાકિસ્તાની સરકારના પ્રવક્તાએ ફ્રાઈડે ટાઈમ્સના અહેવાલોને ફગાવી દીધા હતા.

