કોંગ્રેસે મોદી સરકાર માટે કરી મોટી ટ્વિટ, કહ્યું નવી સરકારની સાથે મળી કામ કરવા તૈયાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ગુરૂવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નવા મંત્રીમંડળની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લઇ રહ્યા હતા. આ અવસર પર વિપક્ષ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ટ્વિટર પર તેમની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી દીધી. કોંગ્રેસે શુભેચ્છા પાઠવતા આ ટ્વીટમાં એમ પણ લખ્યું કે તેઓ ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસમાં નવી સરકારની સાથે મળીને કામ કરવા તૈયાર છે.નવી સરકારની સાથે શપથ ગ્રહણ દરમ્યાન કોંગ્રેસે ટ્વીટ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટના મંત્રીઓને શુભેચ્છા. અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસ માટે સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.

આપને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદી અને તેમની સરકારના નવા મંત્રીઓના આ શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ થયા. 2019ની લોકસભા ચૂંટણીઓ બાદ આ સતત બીજી વખત એવું થયું છે જ્યારે કોંગ્રેસ લોકસભામાં મુખ્ય વિપક્ષી દળ બનવા માટે જરૂરી 55 સીટના આંકડા સુધી પણ પહોંચી શકી નથી. આ વખતે દેશભરમાંથી તેમના માત્ર 52 સભ્ય જ સંસદ પહોંચ્યા છે, જ્યારે ભાજપે આ ચૂંટણીમાં 303 સીટો પ્રાપ્ત કરી જીતને ઐતિહાસિક બનાવી છે. ગયા વખતે એટલે કે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ લોકસભામાં 55 સાંસદોના આંકડાને પહોંચી શકી નહોતી અને ત્યારે તેના માત્ર 44 સાંસદ જ લોકસભા પહોંચ્યા હતા.

વડાપ્રધાનના આ શપથ સમારંભમાં અંદાજે 8000 દેશી-વિદેશી મહેમાન સામેલ થયા. તેમાં BIMSTEC દેશોના નેતા પણ સામેલ હતા. આ દરમ્યાન વડાપ્રધાન મોદીની સાથે 57 અન્ય મંત્રીઓ એ પદ અને ગોપનીયતાના શપથ લીધા. જ્યારે 68 વર્ષના મોદી સતત બીજી વખત પીએમ પદના શપથ લેવા માટે પોડિયમ પર આવ્યા, તો રાષ્ટ્રપતિ ભવનમાં ‘મોદી-મોદી’ના અવાજ ગૂંજવા લાગ્યા. કંઇક આવો જ માહોલ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના શપથ લેવા દરમ્યાન પણ જોવા મળ્યું.

ઉલ્લેખનીય છે કે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના આ નિરાશાજનક પ્રદર્શન બાદ તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની સમીક્ષાની સાથે પોતાના રાજીનામાંની રજૂઆત કરી છે. રાહુલ ગાંધીએ ઇચ્છા વ્યક્ત કરી છે કે હવે કોંગ્રેસની કમાન કોઇ એવી વ્યક્તિના હાથમાં આવવી જોઇએ જે નહેરૂ-ગાંધી પરિવારથી ના હોય.