વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ પાસે સરકારી બોટમાં ભાડાની થતી ઉઘરાણી

ગુજરાત

નર્મદા મૈયાની પરિક્રમાના અંતિમ પડાવમાં નર્મદા નદી પાર કરી દહેજના કિનારા તરફ જવા આવતાં પરિક્રમાવાસીઓ પાસેથી હોડીઘાટના સંચાલકો ભાડાની ઉઘરાણી કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. પરિક્રમાવાસીઓ વિનામુલ્યે નદી પાર કરી શકે તે માટે રાજય સરકાર તરફથી બોટની ફાળવણી કરવામાં આવી છે અને ડીઝલનો પણ ખર્ચો આપવામાં આવે છે. હોડીઘાટના સંચાલકો પગપાળા આવતાં પરીક્રમાવાસીઓ પાસેથી 100 અને વાહનોમાં પરિક્રમા કરતાં લોકો પાસેથી 150 રૂા. નાવડીના ભાડા પેટે વસુલતા હોવાના આક્ષેપ જાગૃત નાગરિકોએ કર્યા છે.મધ્યપ્રદેશથી નર્મદા મૈયાની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ પગપાળા અથવા વાહનોમાં હાંસોટના વમલેશ્વર ખાતે આવે છે અને ત્યાંથી નાવડીમાં બેસી નદી પાર કરી દહેજના મીઠીતલાઇ આશ્રમ ખાતે જાય છે. મીઠીતલાઇથી મધ્યપ્રદેશ તરફ પરિક્રમા શરૂ કરવામાં આવે છે. પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજય સરકાર તરફથી 3 બોટની ફાળવણી કરવામાં આવી છે અને તેના ડીઝલ અને જાળવણીનો ખર્ચ દાતાઓ પાસેથી મેળવવામાં આવે છે.આ બોટમાં પરિક્રમાવાસીઓને વિનામુલ્યે નદી પાર કરાવવામાં આવે છે. ગામના જાગૃત નાગરીક વિનોદભાઇએ આક્ષેપ કર્યો છે કે, વિનામુલ્યે સુવિધા હોવા છતાં હોડીઘાટના સંચાલકો પરિક્રમાવાસીઓ પાસેથી નાણાની વસુલાત કરી રહયાં છે. પગપાળા પરિક્રમાવાસીઓ પાસેથી 100 અને વાહનોમાં આવતાં લોકો પાસે 150 રૂા. લેવાઇ છે તેવી તેમની ફરિયાદ છે.વમલેશ્વરના હોડીઘાટની પહેલા હરાજી થતી હતી અને તેમાં ટ્રસ્ટ વતી વિનોદ પટેલ હોડીઓ ચલાવતાં હતાં અને તેઓ પણ ભાડાની વસુલાત કરતાં હતાં. હરાજી બંધ થયા બાદ હવે સરકારી બોટમાં વિના મુલ્યે મુસાફરી કરાવવામાં આવે છે. કોઇ પણ પ્રકારનું ભાડુ લેવાતું નથી. મારી સામે તેઓ ચુંટણી હારી જતાં ખોટી અરજીઓ અને ફરિયાદ કરી હેરાનગતિ કરી રહયાં છે