જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે સુરક્ષાબળની અથડામણ ચાલુ છે. CRPF અને પોલીસ મળીને આતંકીઓ સામે ચલાવી રહેલા આ ઓપરેશનમાં એક આતંકીને ઠાર માર્યો છે. હાલ પણ અહીં ઓપરેશન ચાલુ છે.
આ પહેલા ગુરુવારે પણ બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળોની અથડામણ થઈ હતી. ડાંગેર પોલા વિસ્તારમાં બુનપોરામાં સુરક્ષાબળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જેના એક દિવસ પહેલા શોપિયાના પિંજૌરમાં પણ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન એક આતંકીને ઠાર મારાયો હતો. આ દરમિયાન સુરક્ષાબળોને એક જવાન ઘાયલ થયો હતો. એન્કાઉન્ટર બાદ થયેલી અથડામણમાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું હતું.
મંગળવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. કોકરેનાગમાં થયેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ જે બે આતંકીઓને ઠાર માર્યા હતા તેમાંથી એક આતંકી પાકિસ્તાનનો હતો. આ પહેલા 23મેના રોજ પણ પુલવામામાં એક એન્કાઉન્ટર થયું હતું. પુલવામાના ત્રાલમાં થયેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન અંસાર ગજવાલ ઉલ હિન્દનો આકા અને મોસ્ટ વોન્ટેડ આતંકી જાકિસ મૂસા ઠાર મરાયો હતો.
સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. સુરક્ષાબળોની મજબૂત કાર્યવાહીથી રાજ્યમાં આતંકી સંગઠનોમાં કોઈ નવો સભ્ય જોડાયો નથી. પુલવામા હુમલા બાદ સુરક્ષાબળોએ અત્યાર સુધી 30થી વધારે ટોપ આતંકીઓને ઠાર માર્યા છે. 2019માં અત્યાર સુધી અંદાજે 90 આતંકવાદીઓનો ખાતમો કરાયો છે.

