પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને આ અંગે મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનના એક સરકારી ન્યૂઝ ચેનલ મુજબ વડાપ્રધાન ઈમરાન ખાને આર્મી ચીફ કમર જાવેદ બાજવાના કાર્યકાળને ત્રણ વર્ષ વધારવા મંજૂરી આપી આપી દીધી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જનરલ કમર જાવેદ બાજવાને આવનાર ત્રણ વર્ષ માટે ફરીથી નિયુક્ત કરવામાં આવે છે. આ આદેશ તેમનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારથી માન્ય રાખવામાં આવશે.
PM ઓફિસથી જાહેર કરેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે આ નિર્ણય પ્રાદેશિક સુરક્ષા વાતાવરણને જોઈને લેવામાં આવ્યો છે. આ સૂચનામાં ખુદ વડાપ્રધાન ઈમારાન ખાને હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જનરલ બાજવાને પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફે આર્મી ચીફ નિમણુક કર્યા હતા. જનરલ બાજવાની નિમણુક નવેમ્બર 2016માં કરવામાં આવી હતી. જનરલ બાજવા પહેલાં રાહિલ શરિફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા.
58 વર્ષીય કમર જાવેદ બાજવા આ વર્ષે રીટાયર થવાના હતા, પરંતુ એ પહેલાં સરકારે તેમનો કાર્યકાળ વધારી દીધો છે. કમર જાવેદ પ્રથમ રાવલપિંડી કૉર્પ્સના કમાંડર હતા. પોતાના સર્વિસ કાળમાં તેઓ પાકિસ્તાન સેના મુખ્યાલયમાં ટ્રેનિંગ અને ઇવોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં ઈન્સ્પેક્ટર જનરલ બન્યા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ એવા સમયે વધાર્યો જ્યારે જમ્મુ-કશ્મીરને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સ્તર પર છે. જમ્મુ-કશ્મીરની હાલની રાજકીય સ્થિતિ અંગે બાજવાએ ઘણી વખત ભારત વિરોધી નિવેદનો પણ આપ્યાં છે. ગત બુધવારે બાજવાએ કહ્યું હતું કે 1947ના ગેરકાયદેસર કાગળના ટુકળાથી કે ભારત સરકારના હાલના પગલાંથી જમ્મુ-કશ્મીરનું સત્ય બદલાશે નહીં.

