પાકિસ્તાને આખરે લગભગ સાડા ચાર મહિના પછી બધી જ એરલાઈન્સના નાગરિક ઉડ્ડયન માટે તેની એર સ્પેસ ખોલી નાંખી છે. પાકિસ્તાનના આ પગલાંથી હવે મંગળવારથી ભારત અને પાકિસ્તાન હવાઈ પરીવહનની કામગીરી સામાન્ય બની છે. ભારતે બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઈ હુમલો કર્યા પછી લગભગ સાડા ચાર મહિનાથી પાકિસ્તાને તેના આકાશમાંથી વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ મંગળવારે બપોરે 12.41 વાગ્યે એરમેન (નોટામ) ઈશ્યુ કરી દેશની એર સ્પેસ તાત્કાલિક અસરથી બધા જ પ્રકારના નાગરિક ઉડ્ડયન માટે ખોલી દેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના આ પગલા પછી ભારતે પણ તુરંત ‘રીવાઈઝ્ડ નોટામ’ ઈશ્યુ કરી બંને દેશો વચ્ચે હવાઈ પરીવહન સામાન્ય થયો હોવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય વિમાનોએ નવા માર્ગો પરથી ઉડ્ડયન કરવું પડતું હોવાથી એર ઈન્ડિયાને રૂ. 491 કરોડનું નુકસાન થયું હતું. એટલું જ નહીં ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટને રૂ. 30.73 કરોડ, ઈન્ડિગોને રૂ. 25.1 કરોડ અને ગોએરને 2.1 કરોડનું નુકસાન થયું હતું તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં 3 જુલાઈએ જણાવ્યું હતું.
આ જાહેરાતોના ક્લાકો પછી ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે બંધ હવાઈ માર્ગોનો ઉપયોગ શરૂ થઈ ગયો હોવાથી વિમાન કંપનીઓ અને હવાઈ પ્રવાસીઓને ઘણી જ રાહત થઈ છે. મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું કે પાકિસ્તાન અને ભારત દ્વારા મંગળવારે સવારે નોટામ્સ રદ કરાયા પછી હવે આજથી બંને દેશોની એરસ્પેસ પર કોઈ પ્રતિબંધો નહીં રહે.
વિમાનો આ બંધ માર્ગો પર ઉડ્ડયન કરી શકશે. આ સમાચાર વિમાની કંપનીઓ માટે ઘણા જ રાહતભર્યા છે. ભારતે બાલાકોટ પર હવાઈ હુમલા પછી ભારતીય એરસ્પેસ પર મૂકેલો કામચલાઉ પ્રતિબંધ 31 મેએ ઉઠાવી લીધો હતો. પાકિસ્તાને તેના આકાશમાં બધા જ નાગરિક ઉડ્ડયનો પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો.

