અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ શરૂ ભારત સહિતના વિદેશીઓની છુપવા નાસભાગ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકામાં વિઝા પુરા થઇ ગયા હોય અને અન્ય કોઇ ગેરકાયદે કારણોસર રહેતા હોય તેમની સામે તવાઇ બોલાવવામા આવી છે. અમેરિકન પ્રશાસને હવેથી જે પણ અમેરિકામાં ગેરકાયદે રહેતુ હશે તેની સીધી ધરપકડ કરવામા આવશે. આ ધરપકડ પ્રક્રિયાને હાલ નાના પાયે શરૂ કરવામાં આવી છે.

સાઉથર્ન પુવર્ટી લો સેન્ટર (એસપીએલસી)ના ડે. ડાયરેક્ટર મેરી બઉરે જણાવ્યુ હતું કે હાલ અનેક લોકો અમેરિકામાં કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ કે વિઝા જેવા આધાર પુરાવા વગર રહી રહ્યા છે. અને આવા લોકો છુપાઇને ફરી રહ્યા છે જેનાથી એક પ્રકારનો આતંક જેવો માહોલ અમેરિકામાં બની રહ્યો છે. બીજી તરફ આ તપાસ ડ્રાઇવ શરૂ કરી હોવાથી મોટા પ્રમાણમાં લોકો છુપાઇ રહ્યા છે.

દરમિયાન જે વિસ્તારમાં ડોનાન્ડ ટ્રમ્પના પક્ષના સાંસદો છે ત્યાં ધરપકડ જેવી પ્રક્રિયાની વધુ અસર જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે, ન્યૂયોર્કના મેયર બિલ દે બ્લાસીઓએ કહ્યું હતું કે જે પણ પગલા લેવાઇ રહ્યા છે તેનાથી અમેરિકાને જ નુકસાન થઇ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માગે છે તેથી આ મુદ્દાને ચગાવીને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ટ્વીટ કરીને વિવાદ જગાવ્યો હતો.

ટ્રમ્પે વિપક્ષના ચાર સાંસદોને લઇને ટ્વીટ કરીને કહ્યું હતું કે જો તમને અમેરિકા સારૂ ન લાગતું હોય તો તમારા દેશમાં જતા રહો. વિપક્ષના જે સાંસદોને લઇને આ નિવેદન કર્યું હતું તેઓ મુસ્લિમ છે. ડેમોક્રેટના મહિલા સાંસદો એલેક્ઝેંડ્રિયા ઓકાસિયો કોર્ટેઝ, ઇલ્હાન ઓમર, રાશિદા તલાઇબ અને અયાના પ્રેસ્લી પર ટ્રમ્પે પ્રહારો કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં જેટલી આઝાદી છે તેટલી ક્યાય નહીં હોય, તેમ છતા જો તમને એમ લાગતું હોય કે અહીં આઝાદી જેવું કઇ નથી તો તમારે તમારા મુળ દેશમાં જતુ રહેવું જોઇએ કે જ્યાં હાલ એકદમ બદ્દતર હાલત છે. દરમિયાન ટ્રમ્પે જે નિવદન કર્યું તેની ભારે ટીકા પણ થઇ રહી છે. ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારોએ ટ્રમ્પના આ નિવેદનને રંગભેદ, મહિલા વિરોધી અને કટ્ટર ધાર્મીક તેમજ લોકોમાં એકબીજા પ્રત્યે ઘૃણા ફેલાવનારૂ ગણાવ્યું હતું.