એર સ્પેસ ખોલતાની સાથે જ ભારતીય વાયુસેનાની પાકિસ્તાનને ખુલ્લી ધમકી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો ફરી એકવાર કારગીલ યુદ્ધની નોબત આવે તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે આ વાત કારગીલ યુદ્ધના 20 વર્ષ પુરા થવા પર કહી હતી.

ભારતીય સેના 20 વર્ષ પહેલા પાકિસ્તાન સાથે થાયેલા કારગીલ યુદ્ધમાં શાનદાર વિજયની ભવ્ય ઉજવણી કરી રહી છે. ભારતીય સેનાએ કારગીલ વિજય દિવસને ધ્યાનમાં રાખીને એક મશાલ પણ પ્રજ્વલિત કરી છે જે છેકે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તાર દ્રાસ લઈ જવામાં આવશે.

આ પ્રસંગે ભારતીય વાયુસેનાના પ્રમુખે કહ્યું હતું કે, જો ફરી એકવાર પાકિસ્તાન કારગીલ જેવી હિમાકત કરે તો અમે યુદ્ધ લડવા સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તમામ ઉત્કૃષ્ઠ જનરલોની માફક અમે પણ આખરી જંગ લડવા માટે તૈયાર છીએ.

ભારતીય વાયુસેના પ્રમુખે પાકિસ્તાનને એવા સમયે ચેતવણી આપી છે જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઈકના 5 મહિના બાદ બંધ રાખવામાં આવેલુ પોતાનું હવાઈ ક્ષેત્ર આજે મોડી રાત્રે ખોલ્યું છે.

આ સાથે જ ધનોઆએ એમ પણ કહ્યું હતું કે, જો જરૂર પડી તો અમે દરેક વાતાવરણમાં અને ત્યાં સુધી કે આકાશમાં વાદળ છવાયેલા હોય તો પણ એકદમ ચોક્કસ બોમ્બિંગ કરીશું. તેમણે પાકિસ્તાનને યાદ અપાવતા કહ્યું હતું કે, અમે 26 ફેબ્રુઆરીએ આવા જ હુમલા કરી ચુક્યા છીએ. આ હુમલા દુરથી જ એકદમ ચોક્કસ પ્રહાર કરવાની અમારી ક્ષમતા દર્શાવે છે.