કાંદાએ બાંગ્લાદેશીઓને રડાવ્યા, ભાવ ૨૬૦ ટાકાને પાર થતાં વડા પ્રધાને ખાવાનાં બંધ કર્યાં

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાંગ્લાદેશમાં કાંદાના ભાવ આકાશને આંબી રહ્યા છે. ભારતથી નિકાસ બંધ થતાં પુરવઠો ઓછો થતાં કાંદાના ભાવ ૨૬૦ ટાકા (ભારતીય ૨૨૦ રૂપિયા) ઉપર પહોંચી ગયા છે, ત્યારે સરકારે વિમાનથી કાંદા આયાત કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના ભોજનમાંથી કાંદાની બાદબાકી કરી નાખી છે.

ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે કાંદાના પાકને ભારે નુકસાન થયું છે, જેને કારણે કાંદાનો પાક ઓછો થયો છે. દક્ષિણ એશિયાના દેશોમાં કાંદા ભોજનનું એક મહત્ત્વનું અંગ છે.

બાંગ્લાદેશમાં કાંદા ૩૦ ટાકાએ વેચાય છે. પરંતુ ભારતમાં પાક ઓછો થતાં ભાવ ઉપર નિયંત્રણના હેતુથી ભારતે નિકાસ બંધ કરી દેતાં બાંગ્લાદેશમાં કાંદાની અછત શરૂ થઇ અને તેને કારણે ભાવ ઝડપથી વધી રહ્યા છે. હવે તે કિલોએ ૨૬૦ ટાકાએ વેચાઇ રહ્યા છે. બાંગ્લાદેશના વડા પ્રધાનના ઉપ પ્રેસ સચિવ હસન જાહિદ તુષારે કહ્યું હતું કે, કાંદા વિમાનથી મંગાવાઇ રહ્યા છે. સાથે જ વડા પ્રધાને પોતાના ભોજનમાં કાંદાનો ઉપયોગ બંધ કર્યો છે.

મ્યાનમાર, તુર્કી, ચીન અને ઇજિપ્તથી કાંદાની આયાત

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના ઉપ પ્રેસ સચિવ હસન જાહિદ તુષારે કહ્યું કે ઢાકામાં પ્રધાનમંત્રીના આવાસ પર કોઇ પણ ભોજનમાં કાંદાનો ઉપયોગ કરાતો નથી. જનતાનો રોષ જોતાં મ્યાનમાર, તુર્કી, ચીન અને ઇજિપ્તમાંથી કાંદા આયાત કરી છે.