પાકિસ્તાનના અધિકારીઓએ સોમવારે બે ભારતીયની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશવાનો આરોપ છે. ધરપકડ થયેલા પ્રશાંત(મધ્યપ્રદેશ) અને દારીલાલ(તેલંગાણા) છે.
જિયો ન્યૂઝ પ્રમાણે બન્નેની ધરપકડ પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કરવામાં આવી હતી. તેમની પાસે કોઇ દસ્તાવેજ મળ્યા નથી. પોલીસે જણાવ્યું કે બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી એક સોફ્ટવેર એન્જિનિઅર હોવાનું કહેવાઇ રહ્યું છે. પોલીસનું માનવું છે કે તેમને પાકિસ્તાનમાં આતંકી હુમલા માટે મોકલવામાં આવ્યા હતા.
ઓગસ્ટમાં પણ ભારતીય જાસૂસની ધરપકડનો દાવો કરવામાં આવ્યો હતો
આ વર્ષે ઓગસ્ટમાં પંજાબ પ્રાંતની પોલીસે દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય જાસૂસની ધરપકડ કરી છે. તેની ધરપકડ ડેરા ગાઝી ખાન કસબામાંથી કરવામાં આવી હતી અને બાદમાં ગુપ્તચર એજન્સીઓને સોંપી દેવાયો હતો. તેની ઓળખ રાજૂ લક્ષ્મણ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તે બલૂચિસ્તાન પ્રાંતથી સિંધમાં દાખલ કરી રહ્યો હતો ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.

